BMCની નવી યોજના, મુંબઈમાં અન્ય રાજ્યોના વાહનોના પ્રવેશ પર લાગશે બ્રેક…..
મુંબઈઃ મુંબઈમાં કેટલાક પ્રશ્ર્નો વર્ષોથી વણઉકેલાયા જ છે. હા એ પ્રશ્ર્નોમાં વધારો થાય છે. પણ તેનો ઉકેલ મળતો નથી ત્યારે મુંબઈ નગર પાલિકાએ હવે કમર કસી છે. પ્રદૂષણ, ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યાઓથી ઝઝૂમી રહેલા મુંબઈને રાહત આપવા માટે BMCએ અન્ય રાજ્યોમાંથી મુંબઈ આવતા વાહનોને હવે ચેક પોઈન્ટ પર જ રોકવાની યોજના બનાવી રહી છે. BMCએ રાજ્ય બહારથી આવતા ભારે વાહનો અને બસોને દહિસર અને માનખુર્દ ચેક પોઈન્ટ પર રોકવાની યોજના બનાવી છે. તેમજ અન્ય રાજ્યોમાંથી આવતા વાહનોને પણ ચેક પોઈન્ટ પર રોકવા માટે ત્યાં પાર્કિંગ અને બસ ટર્મિનલ બનાવવામાં આવશે. BMC આ પ્રોજેક્ટ પર 250થી 300 કરોડ રૂપિયા ખર્ચ કરશે. BMCના એડિશનલ કમિશનર અશ્વિની જોશીએ કહ્યું હતું કે આ માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. બંને ચેક પોઈન્ટ પર 400 જેટલી બસો રોકી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે. બસોને પાર્ક કરવા માટે ચારથી પાંચ માળનું બસ ટર્મિનલ બનાવવાની યોજના છે. BMC નવા વર્ષમાં મુંબઈકરોને કદાચ ટ્રફિકથી થોડી ઘણી રાહત મળી શકે છે.
દહિસર ચેક પોઇન્ટ પર 24,628 ચોરસ મીટર જગ્યા અને માનખુર્દ ચેક પોઇન્ટ પર 29,774 ચોરસ મીટર જગ્યા છે. આ જગ્યા 2017થી ખાલી પડી છે. દહિસર ચેક પોઈન્ટ પર બસ ટર્મિનલના નિર્માણથી ગુજરાત, રાજસ્થાન, દમણ-દીવથી આવતા વાહનોને પાર્ક કરવામાં આવશે. તેમજ માનખુર્દ ચેક પોઈન્ટ પર બસ ટર્મિનલના નિર્માણ સાથે ગોવા, પૂણે અને રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી આવતા વાહનોને રોકીને પાર્ક કરવામાં આવશે.
3,500 કિ.મી.થી વધુ લાંબા અંતરથી આવતી બસો મુંબઈમાં દહિસર અને માનખુર્દ ચેક પોઈન્ટ દ્વારા મુંબઈમાં પ્રવેશ કરે છે. તેનાથી મુંબઈમાં ટ્રાફિક જામ પાર્કિંગની સમસ્યા અને પર્યાવરણીય પ્રદૂષણ વધે છે. મુંબઈગરાઓને આ સમસ્યાઓમાંથી મુક્ત કરવા વહીવટીતંત્ર વિવિધ પ્રયાસોમાં વ્યસ્ત છે. મુંબઈના રસ્તાઓ પર દરરોજ 44 લાખથી વધુ વાહનો દોડે છે. આ વાહનોના કારણે મુંબઈકરોને દરરોજ ટ્રાફિક, પાર્કિંગ અને પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે આ તમામ સમસ્યાઓ હળવી કરવા માટે BMCએ આ નવો પ્લાન બનાવ્યો છે. જ્યારે આ પ્લાનનો અમલ કરવામાં આવશે ત્યારે રોજગારીની નવી તકો પણ ઊભી થશે.