આમચી મુંબઈ

ગણેશ વિસર્જન વખતે આ ૧૩ જોખમી પુલ પર સંભાળજો: BMCની ચેતવણી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ગણેશોત્સવ દરમિયાન મુંબઈના ૧૩ જોખમી પૂલો પરથી ગણેશમૂર્તિના આગમન અને વિસર્જન દરમિયાન સાવચેતી રાખવાની અપીલ મુંબઈ મહાનગરપાલિકાએ ગણેશભક્તોને કરી છે. સતત પાંચ વર્ષથી પાલિકા પુલને લઈને ચેતવણી આપતી આવી છે. મુંબઈના જુદા જુદા વિસ્તારમાં આવેલા પુલો પર વધુ ભીડ ના કરવા માટે ૨૦૧૯ની સાલથી પાલિકા દ્વારા નિયંત્રણો લાદવામાં આવ્યા છે, છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી.

મુંબઈના રસ્તા પર ખાડા તો ગણેશમૂર્તિના આગમન અને વિસર્જન દરમિયાન અડચણરૂપ બનતા જ હોય છે, પરંતુ મુંબઈના જૂના અને જર્જરિત થઈ ગયેલા પુલ પણ પાલિકા માટે માથાનો દુખાવો બની ગયા છે, તેમાં પણ દક્ષિણ મુંબઈના અમુક પુલ તો બ્રિટિશકાળના છે.

ગણેશોત્સવ નજીક છે ત્યારે પાલિકાએ ૧૩ જોખમી પુલની યાદી જાહેર કરીને જણાવ્યું હતું કે આ જોખમી પુલમાંથી અમુકના સમારકામ ચાલી રહ્યા છે. તો અમુકના સમારકામ ચોમાસા બાદ કરવામાં આવવાના છે, તેથી ગણેશભક્તોએ ગણેશમૂર્તિના આગમન અને વિસર્જનના સરઘસ કાઢવા દરમિયાન કાળજી લેવાની રહેશે સાત સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા ૧૦ દિવસના ગણેશોત્સવની તૈયારી મુંબઈમાં જોરદાર ચાલી રહી છે. અનેક મોટા ગણેશમંડળોની ગણેશમૂર્તિ તેમના મંડપમાં પહોંચી ગઈ છે ત્યારે પાલિકાએ જર્જરિત રહેલા પુલોને જોખમી જાહેર કરતી નોટિસ જાહેર કરી હતી. એડવાઈઝરી જાહેર કરતા પાલિકાએ આ પુલ પર લાઉડસ્પીકરનો ઉપયોગ અથવા કોઈ પણ પ્રકારના નાચવા અને ગાવા પર સખત પ્રતિબંધ મૂક્યો છે. તેમ જ ભક્તોને આ પુલ પરથી ઝડપથી પસાર થઈ જવાની વિનંતી પણ આ એડવાઈઝરીમાં કરવામાં આવી છે.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આ ૧૩ પુલ સંપૂર્ણરીતે બિસમાર હાલતમાં નથી. પરંતુ સાવચેતીના કારણથી અમે નાગરિકોને આ પુલ પર ભીડ નહીં કરવાની સલાહ આપી છે. ગણેશમૂર્તિના આગમન અને વિસર્જન દરમિયાન આ પુલ પર ભક્તોની સુરક્ષા માટે પોલીસ કર્મચારીઓને પણ તહેનાત કરવામાં આવવાના છે.

પાલિકાના ઉચ્ચ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ આ પુલોની સાથે જ ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ પર આવતા પુલની જવાબદારી સોંપ્યા બાદ પાલિકાએ વીરમાતા જિજાબાઈ ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યૂટને પુલના સ્ટ્રક્ચરનું નિરીક્ષણ કરવા માટે કહ્યું છે. સર્વેમાં આ પુલો પર નાના-મોટા સમારકામ કરવાની ભલામણ કરવામાં આવી છે. તે માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે.

મુંબઈના જોખમી પુલો
મધ્ય રેલવે પર આવેલો ઘાટકોપર રેલવે ઓવર બ્રિજ, કરી રોડ રેલવે ઓવર બ્રિજ, આર્થર રોડ રેલવે ઓવર બ્રિજ (ચિંચપોકલી રેલવે ઓવર બ્રિજ) , ભાયખલા રેલવે ઓવર બ્રિજ, સાયન સ્ટેશન રેલવે ઓવર બ્રિજ ઉપરથી ગણેશોત્સવ દરમિયાન સરઘસ કાઢતા સમયે કાળજી લેવાની રહેશે. તો પશ્ર્ચિમ રેલવેમાં મરીન લાઈન્સ રેલવે ઓવર બ્રિજ, સેન્ડહર્સ્ટ રોડ રેલવે ઓવર બ્રિજ(ગ્રાન્ટ રોડ અને ચર્ની રોડની વચ્ચે), ફ્રેંચ રેલવે ઓવર બ્રિજ, (ગ્રાન્ટ રોડ અને ચર્ની રોડની વચ્ચે), કેનેડી રેલવે ઓવર બ્રિજ (ગ્રાન્ટ રોડ અને ચર્ની રોડની વચ્ચે), ફોકલૅન્ડ રેલવે ઓવર બ્રિજ (ગ્રાન્ટ રોડ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે), મહાલક્ષ્મી સ્ટેશન રેલવે ઓવર બ્રિજ, પ્રભાદેવી-કૅરોલ રેલવે ઓવર બ્રિજ અને દાદરમાં આવેલો લોકમાન્ય ટિળક રેલવે ઓવર બ્રિજ પર ધ્યાન રાખવાનું રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button