હાઉસિંગ સોસાયટી અને કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટના કચરા પર સુધરાઈનું સીધું નિયંત્રણ રહેશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ સમગ્ર મુંબઈમાં રહેણાંક અને કમર્શિયલ સ્તરે મોટા પ્રમાણ (બલ્ક જનરેટર)માં નિર્માણ થનારા કચરાને ભેગો કરવાના કામનું નિયંત્રણ સીધું પોતાના હાથમાં લેવાનો નિર્ણય લીધો છે. તમામ ખાનગી કૉન્ટ્રેક્ટરોને કચરો ભેગો કરવાની આ પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
હાઉસિંગ સોસાયટી અને કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટમાં નિર્માણ થનારો કચરો હવે તેમની પાસેથી સીધો મુંબઈ મહાનગરપાલિકા જ જમા કરવાની છે. તેથી મોટા પ્રમાણમાં કચરો નિર્માણ કરનારી (બલ્ક વેસ્ટ જનરેટર) સંસ્થાએ તેમની ત્યાં નિર્માણ થનારા કચરાને હવે થર્ડ પાર્ટી એટલે કે બહારથી લેવામાં આવતી સેવાને તાત્કાલિક ધોરણે બંધ કરવાની રહેશે.
આ કચરાનો નિકાલ કરવા માટે કોઈ પણ પ્રકારની ફી આપવી નહીં એવો નિર્દેશ પણ પાલિકાએ આપ્યો છે.
પાલિકા દ્વારા બ્લક વેસ્ટ જનરેટરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ ૧૦૦ કિલો કે તેનાથી વધુ કચરો નિર્માણ કરે છે, તેમાં મોટી હાઉસિંગ સોસાયટી, મોલ, હોટલ, હૉસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા અને ઓફિસનો સમાવેશ થાય છે.
પાલિકાએ તાત્કાલિક અસરથી આ સંસ્થાઓને કચરો ભેગો કરવા માટે થર્ડ પાટી અથવા ખાનગી એજેન્સીનો ઉપયોગ બંધ કરવાનું અને તેમને ફી ચૂકવવાનું બંધ કરવાની સૂચના આપી છે. આગળ જતા આ કચરાને ભેગો કરવાનું કામ ફકત પાલિકાના ઘન કચરા વિભાગ મારફત કરવામાં આવશે એવી સ્પષ્ટતા પાલિકાએ કરી છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ખાનગી એજન્સીઓ જેમને કચરા પર પ્રક્રિયા કરવાની હોય છે તેઓ તેના પર પ્રક્રિયા નહીં કરતા સીધો કચરો પાલિકા પાસે જ તેનો નિકાલ કરી દેતી હોય છે. આ એજન્સીઓ કચરા ભેગો કરવા માટે બલ્ક વેસ્ટ જનરેટરો પાસેથી મોટી ફી વસૂલ કરતી હોય છે અને તેના પર પ્રક્રિયા કરશે એવા ખોટા વચનો પણ આપતી હોય છે.
એડિશનલ મ્યુનિસિપલ કમિશનર અશ્ર્વિની જોશીએ ચાર ઑગસ્ટના ઘનકચરા વિભાગ સાથે મહત્ત્વની બેઠક યોજી હતી, જેમાં હાઉસિંગ સોસાયટીઓ અને કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા કૉન્ટ્રેક્ટરને આપવામાં આવતા કચરા અને તેના પર તેમના દ્વારા પ્રક્રિયા નહીં કરતા સીધા પાલિકાને કચરો આપવા બાબતે સમીક્ષા કરવામાં આવી હતી અને ત્યારબાદ એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે આ કચરો સીધો પાલિકા જ ભેગો કરશે.
પાલિકા હાલમાં તેની ઘન કચરા વ્યવસ્થાપન પોલિસીમાં સુધારો કરી રહી છે. તેથી તેણે ૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષ માટે કચરા પર પ્રક્રિયા કરનારી એજેન્સીઓના રજિસ્ટ્રેશન સ્થગિત કરી દીધા છે. આ દરમ્યાન પાલિકાએ શહેરભરના બલ્ક વેસ્ટ જનરેટરનું કડક ઓડિટ કરવાનો પણ નિર્દેશ આપવામાં આપ્યો છે.
મોટા પ્રમાણમાં કચરાનું નિર્માણ કરનારી સંસ્થાઓના નામ, સોસાયટીઓ દ્વારા ચૂકવવામાં આવતી માસિક ફી તેમના વચ્ચેના એગ્રીમેન્ટ વગેરે વિગતોનું નિરીક્ષણ કરીને તેની માહિતી ભેગી કરવામાં આવવાની છે. આ કામ આગામી સાત દિવસમાં પૂરું કરવાનું છે, તે માટે પાલિકા દ્વારા દરેક વોર્ડમાં આસિસ્ટન્ટ હેડ સુપરવાઈઝરના નેતૃત્વમાં સ્પેશિયલ ટીમ બનાવવામાં આવવાની છે.