BMCએ દીકરીઓના શિક્ષણ-સશક્તિકરણ માટે શરૂ કર્યું ખાસ અભિયાન, ‘મરદાની’ રાની મુખરજીને એવોર્ડ

મુંબઈ: મુંબઈ મહાનગર પાલિકા (BMC) દ્વારા જનજાગૃતિના ભાગરુપે વિવિધ કાર્યક્રમો કરે છે. આ વખતે નાતાલના પર્વ પર BMCએ દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ ડગલું ભર્યું છે.
ભામલા ફાઉન્ડેશનના સહયોગથી ‘સુપરગર્લ્સ ઓફ ટુમોરો’ નામનું વિશેષ અભિયાન શરૂ કર્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ ભારતીય દીકરીઓને આત્મનિર્ભર અને શિક્ષિત બનાવવાનો છે. આ ઝુંબેશથી સમાજમાં સ્ત્રી-પુરુષ સમાનતાનો સંદેશ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.
આપણ વાચો: ગુજરાતનું ‘સહકારી’ મૉડલ મહિલા સશક્તિકરણનું બન્યું ઉત્તમ ઉદાહરણ, દૂધ મંડળીઓમાં 21 ટકાનો વધારો…
રાનીને ‘એક્સેલન્સ ઇન વુમન એમ્પાવરમેન્ટ’ એવોર્ડ
આ અભિયાન અંતર્ગત બોલીવૂડની દિગ્ગજ અભિનેત્રી રાની મુખરજીને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. સિનેમાના માધ્યમથી મહિલા સશક્તિકરણમાં આપેલા અજોડ યોગદાન બદલ તેને ‘એક્સેલન્સ ઇન વુમન એમ્પાવરમેન્ટ થ્રુ સિનેમા’ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
ભામલા ફાઉન્ડેશનના સ્થાપક આસિફ ભામલાના નેતૃત્વમાં આ એવોર્ડ અર્પણ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે રાની મુખરજીએ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ૩૦ વર્ષ પૂર્ણ કર્યા છે અને તેની ફિલ્મો હંમેશા સ્ત્રીઓની શક્તિ અને આત્મસન્માનની હિમાયતી રહી છે.
રાની મુખરજીએ તેમની કારકિર્દી દરમિયાન ‘બ્લેક’, ‘નો વન કિલ્ડ જેસિકા’, ‘યુવા’, ‘હિચકી’ અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ‘મિસેસ ચેટર્જી વર્સીસ નોર્વે’ જેવી ફિલ્મો દ્વારા મહિલાઓના સશક્ત પાત્રો ભજવ્યા છે.
આપણ વાચો: દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે ગુજરાત સરકારની ક્રાંતિકારી પહેલ, ૮૨ હજારથી વધુને મળશે લાભ
સન્માન સ્વીકારતા રાનીએ જણાવ્યું હતું કે, સિનેમામાં સમાજની વિચારધારા બદલવાની તાકાત હોય છે. તેણે ગર્વ અનુભવતા કહ્યું કે તેને એવા પાત્રો ભજવવાની તક મળી જે પિતૃસત્તાક માનસિકતાને પડકારે છે અને સ્ત્રીઓને રાષ્ટ્ર નિર્માણમાં સમાન હિસ્સેદાર તરીકે દર્શાવે છે.
મહિલા પોલીસ અધિકારીના દમદાર પાત્રમાં રાની મુખરજી ફરી એકવાર ‘મરદાની ૩’ ફિલ્મ સાથે મોટા પડદા આવી રહી છે. આ ફિલ્મ 27 ફેબ્રુઆરીના સિનેમાઘરોમાં પ્રસારીત થશે.
‘મરદાની’ સિરીઝે અત્યાર સુધી સામાજિક ગુનાઓ સામે લડતી નિડર મહિલાની છબિ રજૂ કરી છે, જેને દર્શકોએ ખૂબ આવકારી છે. આ ફિલ્મ માત્ર મનોરંજન જ નહીં, પણ સમાજને એક મજબૂત સામાજિક સંદેશ પણ આપશે કે દીકરીઓ જ દેશની કરોડરજ્જુ અને સામાજિક માળખાનો પાયો છે.



