ગેસ સિલિન્ડરના અકસ્માતો રોકવા મુંબઈ મહાનગરપાલિકાએ શરૂ કર્યું વિશેષ કામ

મુંબઈઃ મુંબઈના કાંદિવલીના આકુર્લીમાં ગેસ સિલિન્ડર ફાટતા છ મહિલા અને એક પુરુષ ગંભીર રીતે દાઝ્યા હતા, જેમાંથી ત્રણ મહિલાના મોત નિપજ્યા હતા જ્યારે ઘાટકોપરમાં પણ ગેસ સિલિન્ડર ફાટતા ચાર પુરુષ દાઝ્યા હતા. આવી એક બે ઘટના નહીં, પરંતુ શહેરમાં વારંવાર આવી ઘટના બનતી રહે છે. જેને લીધે લોકોના જીવને જોખમ છે. આ સ્થિતિમાં મુંબઈ મહાનગરપાલિકાએ એક સારો નિર્ણય લીધો છે. આમાંથી મોટાભાગના અકસ્માતો ટાળી શકાય છે, જરૂર માત્ર એટલી છે કે લોકો થોડી તકેદારી રાખે.
પાલિકાએ આ માટે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. 7થી 17 ઑક્ટોબર આ સમય દરમિયાન ખાસ જનજાગૃતિ કાર્યક્રમ હિન્દુસ્તાન પેટ્રોલિયમ આયોજિત કરશે. 350 જગ્યાએ આ કાર્યક્રમ આયોજિત કરવામા આવશે, જેમાં ગે સિલિન્ડરનો વપરાશ કઈ રીતે કરવો તેની માહિતી આપવામા આવશે. આ સાથે અનધિકૃત ગેસ સિલિન્ડરના વપરાશ મામલે પણ કઠોર કાર્યવાહી કરવામાં આવશે.
મુંબઈમાં, ભારત પેટ્રોલિયમના લગભગ ૧૪ લાખ ૫૦ હજાર ઘરેલુ ગેસ સિલિન્ડર ગ્રાહકો છે અને તે ઉપરાંત ૩૮ હજાર કોમર્શિયલ ગ્રાહકો છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમના ગેસ સિલિન્ડરના ઘરેલુ ગ્રાહકોની સંખ્યા લગભગ ૧૦ લાખ ૫૦ હજાર છે. જ્યારે એક જ કંપનીના ૪૦ હજાર ગ્રાહકો કોમર્શિયલ સિલિન્ડરના ગ્રાહકો છે. એટલે કે, મુંબઈમાં બંને કંપનીઓના મળીને લગભગ ૨૫ લાખ ઘરેલુ ગેસ સિલિન્ડર ગ્રાહકો છે.
જ્યારે ૭૮ હજાર ગ્રાહકો કોમર્શિયલ સિલિન્ડર ગ્રાહકો છે. મોટાભાગના ઘરેલુ ગ્રાહકો પાસે બે સિલિન્ડર છે. મોટાભાગના કોમર્શિયલ સિલિન્ડર ગ્રાહકો પાસે એક કરતાં વધુ સિલિન્ડર છે. ઉપરાંત, ઘણા કોમર્શિયલ ગ્રાહકો પાસે ‘સિલિન્ડર બેંક પણ છે. ગ્રાહકોની સંખ્યા લગભગ ૨૫ લાખ ૭૮ હજાર હોવા છતાં, કુલ સિલિન્ડરની સંખ્યા ચોક્કસપણે તેનાથી વધુ છે, તેમ એક અહેવાલ જણાવે છે.
આ પણ વાંચો…ગેસ સિલિન્ડરના વપરાશ અને સુરક્ષા માટે જનજાગૃતિ અભિયાન…