આમચી મુંબઈ

આજથી રસ્તા તથા ફૂટપાથ પરનો કાટમાળ, પેવર બ્લોક હટાવવાની સુધરાઈની ઝુંબેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજથી ૧૮ દિવસ સુધી રસ્તા તથા ફૂટપાથ પર રહેલા કર્બસ્ટોન, પેવરબ્લોક અને તથા કાટમાળ સહિત અન્ય કચરાને હટાવવાની ઝુંબેશ મુંબઈ મહાનગર પાલિકા વોર્ડ સ્તરે હાથ ધરવાની છે.

મુંબઈમાં સોમવારે ચોમાસાના પહેલા જ મુશળધાર વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા અને ગટરોના મુખ અને નાળાઓની જાળીઓમાં રસ્તા પડેલા કાટમાળ અને પેવરબ્લોક તથા સામાન અને કચરો ફસાઈ જવાને કારણે વરસાદી પાણીનો નિકાલ થઈ શકયો નહોતો. તેથી ૨૯ મે, ગુરુવારથી ૧૫ જૂન, ૨૦૨૫ સુધી આવા કચરાને ભેગો કરવા માટે વિશેષ સ્વચ્છતા ઝુંબેશ અમલમાં મૂકવામાં આવવાની છે. એ ઝુંબેશની સાથે જ સવારના ૧૦ વાગ્યા પહેલા સ્વચ્છતા તેમ જ આવશ્યકતા મુજબ બીજી વખત સેકંડ સ્વિપિંગ એટલે કે સફાઈ કરવામાં આવવાની છે.

ચોમાસામાં મુંબઈમાં સ્વચ્છતા કાયમ રહે તે માટે પાલિકાએ ચોમાસામાં નિયમિત અંતરે કચરો ભેગો કરવા અને સફાઈ કરવા માટે વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવાની છે. ખાસ કરીને સાર્વજનિક સ્થળે ફેંકવામાં આવતી વસ્તુ, કચરો ભેગો કરવામાં પર ભાર આપવામાં આવશે. જેથી ચોમાસામાં પાણી સાથે વહીને આ વસ્તુઓને કારણે વરસાદી પાણીના નિકાલમાં અડચણ ઊભી થાય નહીં.

મુખ્યત્વે રસ્તા અને ફૂટપાથ પર પડેલી રહેલા પથ્થર (કર્બસ્ટોન), પેવર બ્લોક, પ્રોજેક્ટ સાઈટ પર રહેલો કાટમાળ, નાળાની બાજુમાં ખાલી રહેલા પ્લોટ પર પડી રહેલો સામાન વગેરે સામાન પણ ભેગો કરવામાં આવશે. નદી, નાળાની સફાઈ પર ખાસ ધ્યાન આપવામાં આવશે, જેથી વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થઈ શકે.

આ પણ વાંચો….નાળાસફાઈ, મીઠી નદીના કૌભાંડો માટે શ્વેતપત્રિકા કાઢો: ભાજપ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button