આમચી મુંબઈ

આચારસંહિતા બાદ પાલિકા એક્શન મોડમાં ૪૮ કલાકમાં મુંબઈમાંથી ૨,૧૦૩ ગેરકાયદે હૉર્ડિંગ્સ દૂર

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈ મહાનગરપાલિકાની ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ના થનારી ચૂંટણીની જાહેરાત સાથે જ તાત્કાલિક ધોરણે આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. એ સાથે જ પાલિકા પ્રશાસને ૪૮ કલાકની અંદર મુંબઈમાં ઠેર ઠેર ગેરકાયદે રીતે લાગેલાં હૉર્ડિંગ્સ અને જાહેરાતના બોર્ડ સામે ઝુંબેશ હાથ ધરીને ૨,૧૦૩ બેનરો અને હૉર્ડિંગ્સ હટાવ્યાં હતાં. જોકે શહેરને કદરૂપ બનાવનારાં અનધિકૃત બેનરો અને પોસ્ટર લગાવવા બદલ જવાબદાર લોકો સામે એક પણ કેસ નોંધવામાં આવ્યો નહોતો.

આચારસંહિતા અમલમાં આવ્યા બાદ પાલિકા પ્રશાસન દ્વારા તેનું પાલન મુંબઈ શહેરમાં ચુસ્ત રીતે થાય તે માટે મંજૂરી વગર ગેરકાયદે રીતે લગાડેલાં હૉર્ડિંગ્સ, બેનરો અને પોસ્ટરને હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે. પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીના નિર્દેશ અનુસાર મંગળવાર બપોરના ત્રણ વાગ્યા સુધીમાં મુંબઈની હદમાં નિયમોનું ઉલ્લંઘન કરીને લગાડવામાં આવેલાં ૧,૩૨૩ બેનરો, ૨૨૦ પોસ્ટરો, ૨૬૨ કટ-આઉટ હૉર્ડિંગ્સ અને ૨૯૩ ઝંડા દૂર કર્યા હતા.

એડિશનલ કમિશનર અશ્ર્વિની જોશીએ જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા રાખવા માટે આદર્શ આચારસંહિતાનો અમલ જરૂરી છે. તેનો અમલ થવાની સાથે જ સોમવાર સાંજથી મંગળવાર બપોર સુધીમાં ૨,૧૦૩ રાજકીય જાહેરાતના બોર્ડ, બૅનર્સ, કિઑસ્ક, સ્ટિકર્સ, હૉર્ડિંગ, ધ્વજ, પોસ્ટર તેમ જ દીવાલ પર લાગેલી રાજકીય જાહેરાત સહિતના બોર્ડ હટાવી દેવામાં આવ્યાં છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુંબઈના મુખ્ય ચોક, મહત્ત્વના રસ્તા, સાર્વજનિક સ્થળ તેમ જ સરકારી બિલ્િંડગના પરિસરમાં લગાડવામાં આવેલા ગેરકાયદે, નિયમ વિરુદ્ધની જાહેરાતના બોર્ડ, ફ્લેક્સ વગેરે હટાવવાની ઝુંબેશ યુદ્ધના ધોરણે અમલમાં મૂકવામાં આવી છે. આ કાર્યવાહી કરતા સમયે રાજકીય પક્ષ અને પદાધિકારીઓને પાલિકાને સહકાર્ય કરવાનું રહેશે. ચૂંટણી પૂર્ણ થાય નહીં ત્યાં સુધી આચારસંહિતાનો ભંગ થાય તેવી કોઈ જાહેરાત, પોસ્ટર અને હૉર્ડિંગ લગાડવા નહીં.

આ દરમ્યાન થાણે મહાનગરપાલિકા દ્વારા પણ થાણે શહેરમાં આચારસંહિતા બાદ ઠેર ઠેર લાગેલા બેનર, જાહેરાત અને હૉર્ડિંગ્સ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સોમવાર, ૧૫ ડિસેમ્બરના સાંજના ચાર વાગ્યાથી મંગળવાર, ૧૬ ડિસેમ્બરના સાંજના ચાર વાગ્યા સુધીમાં થાણે શહેરમાંથી કુલ ૧,૪૦૪ ગેરકાયદે પોસ્ટર અને બેનરો હટાવવામાં આવ્યા હતા.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button