મિલકત વેરો ના ભરનાર 3,605 મિલકતધારકો સામે બીએમસીની કાર્યવાહી, મોકલી નોટિસ
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીના મતદાન બાદ હવે નગરપાલિકા પ્રશાસને પોતાના રોજીંદા કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બીએમસીના ટેક્સ એસેસમેન્ટ એન્ડ કલેક્શન ડિપાર્ટમેન્ટે હવે મુંબઈ શહેર અને ઉપનગરોમાં પ્રોપર્ટી ટેક્સ વસૂલાતનો લક્ષ્યાંક હાંસલ કરવા પ્રયાસો શરૂ કર્યા છે.
મ્યુનિસિપલ વહીવટીતંત્ર દ્વારા સતત અપીલ અને ફોલોઅપ છતાં મિલકત ધારકોએ પ્રોપર્ટી ટેક્સની ચૂકવણી નથી કરી. હવે પાલિકાએ 3,605 જેટલા મિલકત માલિકો સામે જપ્તીની કાર્યવાહી હાથ ધરી છે અને તેમને જપ્તીની નોટિસ ફટકારી છે, જેમાં દંડની રકમ સાથે બાકીની રકમનો સમાવેશ થાય છે. આ નોટિસમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો નિર્ધારિત સમયગાળામાં ટેક્સ ચૂકવવામાં નહીં આવે તો મિલકત જપ્ત કરવામાં આવશે અને કાયદાકીય જોગવાઈઓ અનુસાર તેની હરાજી કરવામાં આવશે.
આ સંપત્તિઓમાં પ્લોટ, રહેણાંક-કમર્શિયલ ઇમારતો, કમર્શિયલ-ઇન્ડ્સ્ટીયલ પ્લોટ વગેરેનો સમાવેશ થાય છે. આમાંથી પશ્ચિમ ઉપનગરોમાં 1,767, શહેરમાં 1,232 અને પૂર્વ ઉપનગરોમાં 606 મિલકતો જપ્તની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ 3605 મિલકત માલિકો પાસે કુલ 1 હજાર 672 કરોડ 41 લાખ રૂપિયાનો ટેક્સ બાકી છે.
Also Read – આજે મુંબઈ હુમલાની વરસી, 26/11નો કાળો દિવસ ભૂલી શકાય તેમ નથી
નોંધનીય છે કે આપેલ સમયગાળામાં ટેક્સ ભરવાનો ઇનકાર કરનારા અને જેઓ તેમની નાણાકીય ક્ષમતા હોવા છતાં મિલકત વેરો ચૂકવતા નથી, તેવા ડિફોલ્ટરોને નગરપાલિકાએ કલમ 203 હેઠળ જપ્તીની નોટિસ જારી કરી છે અને જો વેરો સમયસર ચૂકવવામાં નહીં આવે, તો સંબંધિત મિલકતને પહેલા જપ્ત કરવામાં આવશે અને પછી કાયદાની જોગવાઈઓ અનુસાર તેની હરાજી કરવામાં આવશે.
નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે પ્રોપર્ટી ટેક્સ ભરવાની અંતિમ તારીખ 13 ડિસેમ્બર શનિવાર છે. જો મિલકત માલિકો આ સમયમર્યાદા પહેલા વેરો નહીં ભરે તો તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આથી પાલિકાએ શહેરીજનોને મિલકત વેરો વહેલો ભરીને સહકાર આપવા અપીલ કરી છે.
પાલિકાએ જણાવ્યું છે કે ટેક્સની ચુકવણી માટે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે. મ્યુનિસિપલ વહીવટીતંત્રે અપીલ કરી છે કે કરદાતાઓએ ઓનલાઇન ટેક્સ ભરવા માટે મ્યુનિસિપલ વેબસાઇટ https://www.mcgm.gov.in પરની માહિતીનો ઉપયોગ કરવો જોઈએ.