૩૯૨.૨૨ કરોડનો પ્રોપટી ટૅક્સનો દંડ પણ વસૂલી માત્ર ૧૨ કરોડ રૂપિયાની જ

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ શહેરમાં ગેરકાયદે બાંધકામ સામે કડક કાર્યવાહી કરી છે, જેમાં ૩,૩૪૩ ગેરકાયદે પ્રોપર્ટી પર ૨૦૦ ટકા પ્રોપર્ટી ટૅક્સનો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે, જે લગભગ ૩૯૨.૨૮ કરોડ રૂપિયા થાય છે. જોકે મોટો દંડ ફટકાર્યા છતાં પણ પાલિકા ફકત ૧૨ કરોડ રૂપિયા જ ભેગા કરી શકી છે, જે દંડની કુલ રકમનો બહુ મામૂલી હિસ્સો છે.
પાલિકા જયારે ગેરકાયદે બાંધકામો તોડી પાડે છે એ જ સમયે પ્રોપર્ટીના માલિકોને દંડની નોટિસ પણ આપવામાં આવે છે. નાણાકીય પ્રક્રિયા સરળતાથી ચાલે તે માટે પાલિકા અધિકારીઓ જ દંડ વસૂલવાની જવાબદારી સંભાળે છે. ડિમોલીશનની કાર્યવાહી દરમ્યાન પાલિકા સ્થાનિક પોલીસ સ્ટેશનની મદદ લેતી હોય છે. ભારે જહેમત બાદ પણ પાલિકાની ટીમ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૩૭૯.૯૦ કરોડ રૂપિયા વસૂલ કરવામાં નિષ્ફળ રહી હતી.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ જેઓએ ટૅક્સની બાકી રહેલી રકમ ચૂકવી નહોતી એવા મોટા ડિફોલ્ટરોને શોધી કાઢવા પર અમારી ટીમે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેથી વસૂલાતની કાર્યવાહીમાં થોડો વિલંબ થયો હતો. જોકે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રોપર્ટી ટૅક્સનો લક્ષ્યાંક પૂરો કરવામાં અમે સફળ રહ્યા છે. તેથી હવે અમે આ દંડની રકમ વસૂલવામાં પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ.
આ પણ વાંચો : થાણે પાલિકાએ વિક્રમી ૮૧૦ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ્યો…
આ દરમ્યાન પાલિકાએ ૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષમાં પાલિકાએ ૬,૩૮૮ કરોડ રૂપિયાનો પ્રોપટી ટેક્સ વસૂલ કર્યો છે, ૨૦૧૦ની સાલ પછીનો સૌથી વધુ છે. પાલિકાએ આ વર્ષ માટે ૬,૨૦૦ કરોડ રૂપિયાનો લક્ષ્યાંક રાખ્યો હતો.
પાલિકાએ પહેલી એપ્રિલ, ૨૦૨૪થી ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીમાં પ્રોપર્ટી પર ફટકારેલો દંડ
એરિયા પ્રોપર્ટી દંડની રકમ કલેકશન પેન્ડિંગ રકમ (રકમ કરોડમાં)
એરિયા | પ્રોપર્ટી | દંડની રકમ | કલેકશન | પેન્ડિંગ રકમ (રકમ કરોડમાં) |
દક્ષિણ મુંબઈ | ૯૭૭ | ૨૩૮.૩૪ | ૪.૫૮ | ૨૩૩.૭૬ |
પશ્ર્ચિમ ઉપનગર | ૧,૬૭૨ | ૧૨૬.૫૮ | ૬.૫૬ | ૧૨૦.૦૨ |
પૂર્વ ઉપનગર | ૬૯૪ | ૨૭.૩૭ | ૧.૨૫ | ૨૬.૧૨ |