તાનસા અને મોડક સાગર ડેમ પર સુધરાઈ બનાવશે સોલાર પાવર પ્લાન્ટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મિડલ વૈતરણા બાદ હવે મુંબઈ મહાનગરપાલિકા તાનસા અને મોડક સાગર બંધ પર ૧૦૦ મેગાવોટનો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ ઊભો કરવાની છે. મહાત્મા ફુલે રિન્યુએબલ એનર્જી એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નોલોજી લિમિટેડ (મહાપ્રીત) દ્વારા તેને વિકસાવવામાં આવવાનો છે. આ સોલાર પ્લાન્ટ વાર્ષિક ૨૧૯ મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે અને પાલિકાના લગભગ ૧૬૫.૫૧ કરોડ રૂિ પયા બચાવશે.
મહાપ્રીત અને પાલિકા પ્રશાસન વચ્ચે થોડા મહિના પહેલા થયેલી સંયુક્ત બેઠક દરમ્યાન મહાપ્રીત ૨૫ વર્ષના ‘બિલ્ડ, ફાઈનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફર’ મોડલ હેઠળ તાનસા અને મોડક સાગર ખાતે ૧૦૦ મેગાવોટનો ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ વિકસાવવા માટે સહમતી સધાઈ હતી. તાનસા, મોડક સાગર, વિહાર, તુલસી અને પવઈ તળાવને આવરી લેતી વ્યાપક પહેલના ભાગરૂપે આ પ્રોજેક્ટને મહાપ્રીત દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે, જેનો અંદાજિત ખર્ચ ૫૪૬.૦૭ કરોડ રૂપિયા છે.
સોલાર પ્રોજેક્ટ મારફત ઉત્પન્ન થનારી વીજળી મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ઓપન એક્સેસ દ્વારા પૂરી પાડવામાં આવશે અને મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડની માર્ગદશિકા અનુસાર પીસે-પાંજરાપુર અને ભાંડુપ કૉમ્પ્લેક્સમાં પૂરી પાડવામાં આવશે.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ ‘બિલ્ડ, ફાઈનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફર’ મોડલ હેઠળ વિકસાવવામાં આવેલા પ્રોજેક્ટથી પાલિકાને કોઈ ખર્ચ કરવો પડશે નહીં અને ૨૫ વર્ષ સુધી પ્રતિ યુનિટ ૪.૨૫ રૂપિયાના ભાવે વીજળી પૂરી પાડવામાં આવશે. જળાશયમાંથી વીજળીનું ઉત્પાદન કરીને શહેરના કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં મદદ મળશે. પરંપરાગત વીજળી પર નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે અને ખર્ચમાં ઘટાડો થશે. આ પહેલ મુંબઈના ક્લાઈમેટ એક્શન પ્લાન સાથે સંપૂર્ણપણે સુસંગત છે.
રાજ્યના જળસંસાધન વિભાગે ૨૦૧૯ની સાલમાં મિડલ વૈતરણા ડેમ ખાતે પાલિકાને હાઈડ્રોઈલેક્ટ્રીક પ્રોજેક્ટ માટે મંજૂરી આપી હતી. સલાહકારની ભલામણને અનુસરીને ઓગસ્ટ, ૨૦૨૫માં ડિઝાઈન અને ‘બિલ્ડ, ફાઈનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફર’ મોડલ હેઠળ ૨૦ મેગાવોટનો હાઈડ્રોઈલેક્ટ્રીક અને ૮૦ મેગાવોટ ફ્લોટિંગ સોલારનું સંયોજન કરતો ૧૦૦ મેગાવોટનો હાઈબ્રિડ પાવર પ્રોેજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો, જેમાં ૪.૯૦ હેકટર અનામત ફોરેસ્ટ લેન્ડનો સમાવેશ થાય છે. તેનું બાંધકામ શરૂ થવાનું છે અને આ પ્રોેજેક્ટ વાર્ષિક આશરે ૨૦૮ મિલ્યન વીજળીનું ઉત્પાદન કરશે.
 
 
 
 


