કોર્ટના કર્મચારીઓને મળી BMCની ચૂંટણી કામગીરીમાંથી મુક્તિ, હાઈકોર્ટે કમિશનરના આદેશ પર લગાવી રોક…

મુંબઈ: માયાનગરી મુંબઈમાં 15 જાન્યુઆરીના રોજ BMCની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીના સફળ સંચાલન માટે ચૂંટણી પંચ રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને ડ્યુટી માટે ઓર્ડર મોકલી આપવામાં આવ્યા છે. પરંતુ, કોર્ટના કર્મચારીઓ ચૂંટણીની ડ્યુટી કરશે નહીં. હાઈ કોર્ટના આદેશ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
BMC કમિશનરના આદેશ પર રોક
BMCની ચૂંટણીને લઈને ચૂંટણી કમિશ્નરે રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને ચૂંટણીના ઓર્ડર મોકલી આપ્યા હતા. જેમાં કોર્ટના કર્મચારીઓ પણ સામેલ હતાં. જેને લઈને 22 ડિસેમ્બરે બોમ્બે હાઈ કોર્ટે સુઓમોટો લીધો હતો. જેને લઈને બોમ્બે હાઈ કોર્ટની ખંડપીઠે સુનાવણી કરી હતી.
બોમ્બે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ન્યાયમૂર્તિ અશ્વિન ભોબેની ખંડપીઠે મુખ્ય ન્યાયધીશના નિવાસસ્થાને એક વિશેષ સુનાવણી કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, BMC કમિશ્નર, જે જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પણ કામ કરી રહ્યા છે. તેમને હાઈ કોર્ટ અથવા તેને આધિન કોર્ટના કર્મચારીઓને ચૂંટણીની ડ્યુટી માટે તેમની સેવા માંગવાનો હેતુથી કોઈ પણ ઓર્ડર કે નોટિફિકેશન જાહેર કરવા પર પ્રતિબંધિત કરવામાં આવે છે.
હાઈ કોર્ટે આપ્યો 2008ના નિર્ણયનો સંદર્ભ
બોમ્બે હાઈ કોર્ટની ખંડપીઠે પોતાની સુનાવણીમાં કોર્ટની ‘પ્રશાસનિક ન્યાયધીશ સમિતિ’ દ્વારા 2008માં લેવાયેલા નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો. આ નિર્ણય હેઠળ, હાઈ કોર્ટ અને તેને આધિન કોર્ટના કર્મચારીઓને ચૂંટણીની ડ્યુટીમાંથી મુક્ત રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, બોમ્બે હાઈ કોર્ટે સુઓમોટો લીધા બાદ મુખ્ય મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટે BMC કમિશ્નરને જણાવ્યું હતું કે, હાઈ કોર્ટના કર્મચારીઓને મુક્ત રાખવાનો પ્રશાસનિક નિર્ણય લેવાયો છે. તેમ છતાં, 29 ડિસેમ્બરે કમિશ્નરે મુખ્ય મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની વિનંતીને ફગાવતા ફરીથી ઓર્ડર જાહેર કર્યા હતાં.



