આમચી મુંબઈ

ગઈકાલે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ હતો અને મળતી માહિતી મુજબ ભાજપ સહિતના એકેય પક્ષે ટિકિટ આપતી વખતે ગુજરાતીઓને ખાસ ગણતરીમાં લીધા નથી


(અમારા પ્રતિનિધિ તરફથી)


મુંબઈ:
મુંબઈ મહાનગરપાલિકા ૨૦૨૬ની ચૂંટણીમાં ફરી એક વખત રાજકીય પાર્ટીઓએ ગુજરાતીઓ સાથે અન્યાય કર્યો હોવાનું જણાઈ આવ્યું છે. મંગળવારે મોડી રાત સુધી મોટાભાગના પક્ષોની સંપૂર્ણ યાદી જાહેર નહોતી થઈ પણ ‘મુંબઈ સમાચાર’ પાસે રહેલી માહિતી પ્રમાણે ભાજપને બાદ કરતા અન્ય રાજકીય પક્ષોએ ગુજરાતીને ગણતરીમાં લીધા ન હોવાનું મોડી સાંજે હાથમાં આવેલી ઉમેદવારીઓની યાદી પરથી જણાઈ આવ્યું છે. ગુજરાતીઓ પરંપરાગત રીતે ભાજપની વોટબેંક કહેવાય છે, છતાં ભાજપે મુંબઈના ૩૫ લાખથી વધુ ગુજરાતીઓની ફરી એક વખત અવગણના કરી છે. ભાજપે માંડ ૨૨ ગુજરાતી-મારવાડીઓને ચૂંટણી માટે ઉમેદવારી આપી છે.

મુંબઈ મહાનગરપાલિકાની ૨૦૨૬ની ચૂંટણી માટે મંગળવારે ઉમેદવારી દાખલ કરવાના છેલ્લા દિવસની યાદી મુજબ ભાજપે માત્ર ૨૨ ગુજરાતી-મારવાડી ઉમેદવારોને ટિકિટ આપી હતી. તો કૉંગ્રેસે છ ગુજરાતી-મારવાડી ઉમેદવારને ટિકિટ આપી હતી. ઉદ્ધવની યુબીટીએ એક અને શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસે એકને ટિકિટ આપી છે, તો શિંદે સેનાએ ગુજરાતીઓની અવગણના કરી હોવાનું લાગે છે. તેની સામે ગુજરાતીઓની સામે પહેલાથી દ્વેષ ધરાવતી રાજ ઠાકરેની મનસેએ વડાલામાંથી એક માત્ર ગુજરાતી મહિલાને ઉમેદવારી આપીને ચોંકાવી દીધા હતા.

મુંબઈ મહાનગરપાલિકાની ૨૦૧૭ની ચૂંટણીમાં તમામ મોટા રાજકીય પક્ષોના ૪૦થી વધુ ગુજરાતી ઉમેદવારો મેદાનમાં હતા, તેની સામે આ વર્ષે તમામ પક્ષોના મળીને ૩૦થી ઉપર આંકડો ગયો ન હોવાનું મંગળવારે મોડી સાંજે જણાઈ આવ્યું હતું. જોકે દિવસ દરમ્યાન ગણ્યાંગાંઠ્યા ગુજરાતી ઉમેદવારોએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી, તેમાં મુખ્યત્વે ભાજપના વડાલાના વોર્ડ નંબર ૧૭૭ના ભૂતપૂર્વ નગરસેવિકા નેહલ શાહે પક્ષે ટિકિટ નહીં આપતા અપક્ષ રીતે ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યું હતું.

ભાજપે કુલ ૨૨ ગુજરાતી-મારવાડી સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે, જોકે તેની સામે ગઈ ચૂંટણીમાં જીતેલા અનેક ગુજરાતીઓનાં પત્તાં કપાઈ ગયાં છે. અનેક ગુજરાતી નગરસેવકોની ટિકિટ આરક્ષણને કારણે તો અમુક ઉમેદવારોની સીટ ભાજપે તેના સાથી પક્ષ શિંદે સેનાને આપી દેતા ગુજરાતી ભૂતપૂર્વ નગરસેવકોને ચૂંટણી લડવાથી વંચિત રહેવું પડ્યું છે.
ભાજપની મંગળવાર મોડી સાંજે જાહેર થયેલી યાદી મુજબ બાવીસ ગુજરાતી-મારવાડીઓને ઉમેદવારી આપી હતી, તેમાં વોર્ડ નંબર ૧૦માંથી જિતેન્દ્ર પટેલ, વોર્ડ નંબર ૧૫માંથી જિજ્ઞા શાહ, વોર્ડ નંબર ૨૨માંથી હિમાંશુ પારેખ, વોર્ડ નંબર ૨૯માંથી નીતિન ચૌહાણ, વોર્ડ નંબર ૩૦માંથી ધવલ વોરા, વોર્ડ નંબર ૩૬માંથી મારવાડી ઉમેદવાર સિદ્ધાર્થ શર્મા, વોર્ડ નંબર પંચાવનમાંથી હર્ષ પટેલ, વોર્ડ નંબર ૫૮માંથી સંદીપ પટેલ, વોર્ડ નંબર ૬૬માંથી આરતી પંડયા, વોર્ડ નંબર ૭૧માંથી સુનીતા મહેતા, વોર્ડ નંબર ૮૧માંથી કેસરબેન પટેલ, વોર્ડ નંબર ૯૭માંથી હેતલ ગાલા, વોર્ડ નંબર ૧૦૩ મુલુંડમાં હેતલ ગાલા- માર્વેકર, વોર્ડ નંબર ૧૦૭માંથી નીલ સોમૈયા, વોર્ડ નંબર ૧૩૦માંથી ધર્મેશ ગિરિ, વોર્ડ નંબર ૧૫૧માંથી મારવાડી ઉમેદવાર કશીશ ફુલવારિયા, વોર્ડ નંબર ૧૭૭માંથી કલ્પેશા કોઠારી, વોર્ડ નંબર ૨૧૭ મલબાર હિલમાંથી ભૂતપૂર્વ નગરસેવિકા મિનલ પટેલને બદલે ગોરાંગ ઝવેરીને ટિકિટ આપવામાં આવી છે. તો વોર્ડ નંબર ૨૨૧માંથી આકાશ પુરોહિત અને વોર્ડ નંબર ૨૨૧માંથી રીટા મકવાણા, વોર્ડ નંબર ૬૬માંથી મારવાડી ઉમેદવાર રોહન રાઠોડ જે મુંબઈ ભાજપ અધ્યક્ષ અમિત સાટમના નજીકના સંબંધી છનો સમાવેશ થાય છે.

ભાજપે ૧૮ ગુજરાતી મારવાડીઓને ટિકિટ આપી હતી, પણ તેની સામે અનેક ભૂતપૂર્વ ગુજરાતી નગરસેવકો અને નગરસેવિકાનાં પત્તાં કપાઈ ગયાં હતાં. જગદીશ ઓઝા, હરીશ છેડા, પ્રવીણ શાહ, અતુલ શાહની બેઠકો અનામત થઈ જતા પક્ષે તેમને અન્ય જગ્યા પરથી ઉમેદવારી આપી નથી. ભૂતપૂર્વ નગરસેવિકા નેહલ શાહનું પત્તું કપાઈ ગયું છે. વોર્ડ નંબર ૩૫માં ભૂતપૂર્વ ગુજરાતી નગરસેવિકા સેજલ દેસાઈ અને વોર્ડ નંબર ૭૦નાં ભૂતપૂર્વ નગરસેવિકા સુનીતા મહેતાનું પત્તું કાપી નાખવામાં આવ્યું છે. તો ઘાટકોપરમાં વોર્ડ નંબર ૧૩૦ની ભાજપની ભૂતપૂર્વ નગરસેવિકા બિંદુ ત્રિવેદી, બિના દોશી, સંધ્યા દોશી, મિનલ પટેલ, જયોત્સ્ના મહેતાને પણ ટિકિટ આપવામાં આવી નથી.

તો કૉંગ્રેસ તરફથી સોમવારે ૮૭ ઉમેદવારને ‘એબી’ ફોર્મ આપવામાં આવ્યાં હતાં, જેમાં માત્ર પાંચ ગુજરાતી મારવાડીઓનાં નામ હતાં, વોર્ડ ૨૨માં પ્રદીપ કોઠારી, વોર્ડ નંબર ૩૫માંથી પરાગ શાહ, વોર્ડ નંબર પંચાવનમાંથી ચેતન ભટ્ટ, વોર્ડ નંબર ૪૩માંથી સુદર્શન સોની, વોર્ડ નંબર ૨૨૦માંથી સોનલ પરમાર અને વોર્ડ નંબર ૨૨૧માંથી પૃથ્વીરાજ જૈનનો સમાવેશ થાય છે.
તો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)એ વોર્ડ નંબર ૧૭૭માંથી હેમાલી ભણસાલી અને શરદ પવારની રાષ્ટ્રવાદીએ એક માત્ર ગુજરાતી ભરત દનાણીને મુલુંડના વોર્ડ નંબર ૧૦૭માંથી ઉમેદવારી આપી હતી.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button