આમચી મુંબઈ

ભાંગ્યું તોય ભરૂચ: આંગણીને વેઢે ગણાય એટલા જ ગુજરાતી નગરસેવક…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે દરેક પક્ષોએ ગુજરાતીઓની અવગણના કરીને જૂજ ઉમેદવારોને ટિકિટ આપી હતી, જેમાં સૌથી વધુ તો ભાજપે ગુજરાતી-મારવાડી ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. હવે ચૂંટણી પરિણામો જાહેર થયાં છે ત્યારે આંગણીને વેઢે ગણાય એટલા જ ગુજરાતી-મારવાડી નગરસેવક ચૂંટાયા હોવાથી ગુજરાતીઓના પ્રતિનિધિત્વ સામે સવાલ ઊભો થયો છે.

એશિયાની સૌથી શ્રીમંત મહાપાલિકા પર વર્ચસ જમાવવાની રણનીતિ રૂપે ભાજપે ગુજરાતીઓને હાંસિયામાં ધકેલી દીધા હતા. તેમ છતાં બધા રાજકીય પક્ષોમાં ભાજપે જ સૌથી વધુ ગુજરાતી-મારવાડીઓને ચૂંટણી માટે ટિકિટ આપી હતી. આમાંથી ભાજપના 17 ઉમેદવાર ચૂંટાઈ આવ્યા હતા.

ભાજપના ચૂંટાયેલા નગરસેવકોમાં જિતેન્દ્ર અંબાલાલ પટેલ, હિમાંશુ સુનીલ પારેખ, ધવલ વોરા, ડૉ. હેતલ ગાલા-માર્વેકર, ડૉ. નીલ કિરીટ સોમૈયા, હર્ષ ભાર્ગવ પટેલ, કશિશ રાજેશ ફુલવારિયા, કલ્પેશા જેસલ કોઠારી, ગૌરાંગ ચેતન ઝવેરી, સંદીપ દિલીપ પટેલ, કેસરબેન મુરજી પટેલ, હેતલ ગાલા, ધર્મેશ ભૂપત ગિરિ, આકાશ પુરોહિત, રીટા ભરત મકવાણા, રોહન રાઠોડ અને જિજ્ઞાસા નિકુંજ શાહનો સમાવેશ થાય છે.

મહાપાલિકાની ચૂંટણી માટે ભાજપની ટિકિટ પરથી લડનારા કેટલાક ગુજરાતી-મારવાડીએ હાર ખમવી પડી હતી, જેમાં વૉર્ડ-66ની આરતી પંડ્યા અને વૉર્ડ-29ના નીતિન ચૌહાણનો સમાવેશ થાય છે. આરતી પંડ્યાને માત્ર 7,543 મત મળ્યા હતા, જ્યારે 14,254 મત સાથે કૉંગ્રેસના હૈદર મેહર મોહસીન જીતી ગયા હતા. બીજી તરફ, નીતિન ચૌહાણ અને યુબીટીના સચિન બાળકૃષ્ણ પાટીલ વચ્ચે ભારે રસાકસી જામી હતી. આખરે 14,038 મત સાથે પાટીલ વિજેતા બન્યા હતા.

કૉંગ્રેસ પક્ષ દ્વારા છ ગુજરાતીને ઉમેદવારી આપવામાં આવી હતી, પરંતુ છેએ છ જણે હાર ખમવી પડી હતી. આ ઉમેદવારોમાં પરાગ સુરેશચંદ્ર શાહ, પ્રદીપ ગુણવંતલાલ કોઠારી, ચેતન ભટ્ટ, સોનલ મહેશ પરમાર, પૃથ્વીરાજ જૈન અને સુદર્શન સોનીનો સમાવેશ થાય છે.

આ સિવાય યુબીટીની ગુજરાતી ઉમેદવાર મુક્તા મહેશ પટેલ અને મનસેની એકમાત્ર ગુજરાતી ઉમેદવાર હેમાલી ભણસાલી પણ હારી ગઈ હતી. મુક્તા પટેલનો ભાજપની સ્વાતિ જયસ્વાલ સામે, જ્યારે હેમાલી ભણસાલીનો ભાજપની કલ્પેશા કોઠારી સામે પરાજય થયો હતો.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button