‘રાજ’ મજબૂરી કે જરુરિયાતઃ હવે ઉદ્ધવ ઠાકરે સામે રાજકીય અસ્તિત્વ ટકાવવાનો પડકાર?

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી હવે 74,000 કરોડ રૂપિયાના બજેટવાળી BMC ચૂંટણીનો વારો છે. અનામત પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ પક્ષોએ BMC ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. 1996થી બીએમસી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનાના હાથમાં છે. હવે, ઉદ્ધવ ઠાકરે સામે પોતાનો છેલ્લો ગઢ બચાવવાનો પડકાર છે, જ્યારે મહારાષ્ટ્રમાં સત્તામાં આવ્યા પછી ભાજપની નજર પણ પાલિકા પર છે.
સત્તા પોતાના હાથમાં લેવાનો ભાજપનો પ્રયાસ
મુંબઈ નગર પાલિકા 227 કાઉન્સિલર બેઠક છે અને મેયરની પસંદગી માટે 114 બેઠક જરૂરી છે. મહારાષ્ટ્રમાં સત્તામાં આવ્યા પછી હવે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)નું સમગ્ર ધ્યાન મુંબઈ તરફ કેન્દ્રિત થઈ ગયું છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)નો BMC પર પ્રભાવ છે, જેને ભાજપ નબળું પાડવાનો જ નહીં પણ પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટેની ઉમેદવારી પ્રક્રિયા વિલંબિત કરવા વિચાર કરો: સુપ્રીમ કોર્ટ…
રાજકીય વર્ચસ્વ જાળવી રાખવાનો પડકાર?
2024ની વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. ઉદ્ધવ ઠાકરે સામે તેમનો છેલ્લો ગઢ બીએમસી (મુંબઈ મહાનગર પાલિકા)ને બચાવવાનો પડકાર છે. ઉદ્ધવ ઠાકરે તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે સાથે મળીને બીએમસી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે પ્રશ્ન થાય કે શું ઠાકરે બંધુઓ પોતાનું રાજકીય વર્ચસ્વ જાળવી શકશે?
અનામતનું ‘કોકડું’ ઉકેલાઈ જવાથી રાહત પણ
છેલ્લી BMC ચૂંટણી 2017 માં યોજાઈ હતી, જેમાં શિવસેના સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી. BMCની ચૂંટણીઓ 2022માં યોજાવાની હતી, પરંતુ અનામતનો મુદ્દો કોર્ટમાં હોવાથી તે થઇ શકી નહોતી. હવે આ કોકડું ઉકેલાઈ ગયું છે અને અગિયાર નવેમ્બરના બીએમસી વોર્ડ કાઉન્સિલર બેઠકો માટેનું અનામત પણ બહાર પાડવામાં આવ્યું છે.
બીએમસી બેઠકો અનામત થયા પછી ભાજપ, શિવસેના અને શિવસેના (યુબીટી), કોંગ્રેસ અને એનસીપી તેમજ એઆઈએમઆઈએમ અને સપાએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તે BMC ચૂંટણી એકલા હાથે લડશે. શિંદે અને ભાજપ વચ્ચે પણ રાજકીય તણાવ જોવા મળી રહ્યો છે. ઉદ્ધવની શિવસેનાએ તેમના ભાઈ રાજ ઠાકરે સાથે જોડાણ કરીને બીએમસી ચૂંટણી લડવાની યોજના બનાવી છે. આવું એટલા માટે થયું છે કારણ કે વિધાનસભા ચૂંટણી પછી મહારાષ્ટ્રમાં ‘બ્રાન્ડ ઠાકરે’ના રાજકીય અસ્તિત્વ પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે.
આ પણ વાંચો: મહાયુતિનો ઉકળી રહેલા ચરુનો વિસ્ફોટ થશે કે ઠંડું પાણી પડશે?
ઉદ્ધવ ઠાકરે માટે કેટલું મહત્વનું છે?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉદ્ધવની આગેવાની હેઠળની શિવસેના અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ ખરાબ પ્રદર્શન કર્યું હતું. 1995 સુધી, બીએમસી પર કોંગ્રેસનું નિયંત્રણ હતું અને તેનો મેયર હતો, પરંતુ 1996 પછી શિવસેનાએ પોતાનું એકચક્રી શાસન સ્થાપિત કર્યું અને ત્યારથી શિવસેનાનો બીએમસી પર કબજો રહ્યો છે. ભાજપ હવે ઉદ્ધવ પાસેથી આ ગઢ છીનવી લેવાની તૈયારી કરી રહ્યું છે.
ઉદ્ધવ ઠાકરે માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણકે શિવસેનાના રાજકીય વારસદાર તરીકે એકનાથ શિંદે ઉભરી રહ્યા છે. અસલી અને નકલી શિવસેનાની લડાઈમાં ઉદ્ધવ ઠાકરે સામે એકનાથ શિંદે વધુ મજબૂત સાબિત થયા છે. શિવસેના (UBT)ને 40 વર્ષમાં સૌથી ખરાબ હારનો સામનો કરવો પડ્યો છે. આમ, આગામી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ‘બ્રાન્ડ ઠાકરે’ ને બચાવવાનો પડકાર છે.
ઉદ્ધવ ઠાકરે સામેના પડકારો
2017ની બીએમસી ચૂંટણીમાં શિવસેનાએ 84 બેઠકો જીતી હતી અને બીજેપી 82 બેઠકો જીતી હતી. તેમાંથી ઘણા નેતાઓ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા છે, તેથી તેમના સ્થાને નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવશે. ઉદ્ધવ ઠાકરેએ 50 ટકા બેઠકો માટે નવા ચહેરા શોધવા પડશે.
ઉદ્ધવ ઠાકરે સામે મરાઠા મતોને એક રાખવાનો પડકાર છે, કારણ કે શિંદેના અલગ થયા પછી મરાઠા મતદારો વિભાજિત થવાની સંભાવના છે. ઉદ્ધવ ઠાકરે બીએમસી દ્વારા પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા પ્રયત્ન કરી રહ્યા છે, જો તે પણ તેમના હાથમાંથી જશે તો શિવસેના પાસે કંઈ જ નહીં રહે.
આ પણ વાંચો: નવાબ મલિકના નેતૃત્વ હેઠળ પાલિકાની ચૂંટણીઓમાં ભાજપ એનસીપી સાથે જોડાણ કરશે નહીં: ભાજપ
શું ઉદ્ધવ રાજ સાથે મળીને ચમત્કાર કરી શકશે?
મરાઠી મતોનું વિભાજન અટકાવવા માટે, ઉદ્ધવ ઠાકરે કોઈપણ ભોગે રાજ ઠાકરે સાથે ગઠબંધન કરવા માંગે છે. મનસે અને શિવસેના બંનેના નેતાઓ અને પદાધિકારીઓ રણનીતિ બનાવી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ હજુ સુધી ગઠબંધનની જાહેરાત કરી નથી, પરંતુ બંને પક્ષોના નેતાઓની સંયુક્ત બેઠકો થઈ છે.
રાજ ઠાકરેના કારણે કોંગ્રેસે પણ ઉદ્ધવ ઠાકરેથી અલગ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. છતાં પણ, ઉદ્ધવ ઠાકરે કોઈપણ સંજોગોમાં પોતાના ભાઈનો સાથ છોડવા માંગતા નથી. મુંબઈ, થાણે, નાશિક અને પુણે જેવા મરાઠી બહુમતી ધરાવતા વિસ્તારોમાં ઉદ્ધવ ઠાકરેનો રાજકીય જનાધાર છે ત્યાં રાજ ઠાકરેનો પણ મજબૂત જનાધાર છે. બંને ભાઈઓ સાથે રહેવાથી રાજકીય ફાયદા થઈ શકે છે, પરંતુ રાજ ઠાકરે સાથે રહેવાથી ઉત્તર ભારતીય અને મુસ્લિમ મતો જવાનો ભય પણ છે. રાજ ઠાકરેએ ખુલ્લેઆમ મરાઠી અસ્મિતાનો દાવો કરી રહ્યા છે.



