ઈલેક્શન-તૂ તૂ મૈં મૈંઃ ઉદ્ધવ ઠાકરેના એક લાખના પડકાર સામે ફડણવીસે કહ્યું તત્કાળ પૈસા મોકલો…

મુંબઈઃ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર તેના અંતિમ તબક્કામાં પ્રવેશ્યો છે ત્યારે હવે દિગ્ગજ પક્ષના નેતાઓ આમનેસામને ટીકા-ટિપ્પણી કરવા લાગ્યા છે, જેનાથી રાજકીય માહોલ પણ ગરમાયો છે. શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ તેમના એક નિવેદનમાં કહ્યું હતું કે જો ભાજપ હિન્દુ-મુસ્લિમ અને ભારત-પાકિસ્તાનના મુદ્દાઓ ઉઠાવ્યા વિના ચૂંટણી લડી શકે તો તેઓ 1 લાખ રૂપિયા આપશે તેના પર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે કટાક્ષ કરતા કહ્યું હતું કે “તત્કાળ પૈસા મોકલો”.
ઠાકરેના પડકાર વિશે પૂછવામાં આવતા ફડણવીસે અહીં એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું, “જો તમે મારા ભાષણો તપાસો તો અમે ચોક્કસપણે આરોપો અને ટીકાઓનો જવાબ આપીએ છીએ, અને અમે હિન્દુત્વ વિશે વાત કરીએ છીએ, કારણ કે અમને તેના પર ગર્વ છે. પરંતુ મારા ૯૫ ટકા ભાષણો ફક્ત વિકાસ વિશે છે.”
ઠાકરે પર પ્રહાર કરતા મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું, મેં ખુલ્લેઆમ કહ્યું છે કે મને તેમનું એક ભાષણ બતાવો જેમાં તેઓ વિકાસ વિશે વાત કરે છે, હું 5,000 રૂપિયા આપીશ. ફડણવીસે કહ્યું કે ઠાકરે જે 1 લાખ રૂપિયા આપશે તે રાજ્ય સરકારની મુખ્ય યોજના લાડકી બહેનના લાભાર્થીઓને ટ્રાન્સફર કરવામાં આવશે, જે મહિલાઓ માટે માસિક નાણાકીય સહાય યોજના છે. તેમને તેમની રેલીમાં વિકાસ પર ઓછામાં ઓછું એક વાક્ય બતાવવા દો અને હું તેમને 1,000 રૂપિયા આપીશ,” મુખ્ય પ્રધાને ઠાકરે પર વધુ પ્રહાર કરતા જણાવ્યું હતું.



