Top Newsઆમચી મુંબઈ

BMC ચૂંટણી પ્રચારમાં ફટાકડા ફોડવા પડ્યા ભારે: એક રોકેટે લગાવી ઘરમાં આગ, ડેઝી શાહે વ્યક્ત કર્યો આક્રોશ…

મુંબઈ: માયાનગરી મુંબઈમાં BMCની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. એવા સમયે તમામ પક્ષો પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આવા જ એક ચૂંટણી પ્રચાર દરમિયાન બોલીવૂડની અભિનેત્રી ડેઝી શાહની બાજુની બિલ્ડિંગમાં આગ લાગી હતી. જેની પાછળ અભિનેત્રીએ BMCના ચૂંટણી પ્રચારને જવાબદાર ગણાવ્યો છે. અભિનેત્રીએ પાર્ટીના કાર્યકર્તાઓ પર આરોપ લગાવ્યો છે.

ફટાકડા ફોડવા જ જોઈએ એવો કોઈ નિયમ નથી

અભિનેત્રી ડેઝી શાહે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સ્ટોરી અને વીડિયો પોસ્ટ કરીને પોતાની બાજુની બિલ્ડિંગમાં લાગેલી આગ વિશે માહિતી આપી હતી. સાથોસાથ ચૂંટણી પ્રચાર દરમિયાન ફોડાતા ફટાકડાને લઈને રોષ પણ વ્યક્ત કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં ડેઝી શાહે જણાવ્યું હતું કે, “ચૂંટણી પ્રચારની વાત બરાબર છે. પરંતુ એવો ક્યાં કોઈ નિયમ છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન ફટાકડા ફોડવા જ જોઈએ. તમે મને એ જણાવો કે, બિલ્ડિંગના ગેટની બહાર કોણ ફટાકડા ફોડતું હશે?”

તમે અહીં રોકેટ ન ઉડાવી શકો

ડેઝી શાહે આગળ જણાવ્યું કે, “દરેક બિલ્ડિંગ તેઓને પ્રચાર માટે પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપે છે. તેઓ ડોર ડુ ડોર જઈને પ્રચાર કરી શકે છે. પરંતુ કદાચ તેઓ દરેક બિલ્ડિંગમાં પ્રવેશતા પહેલા બહાર ફટાકડા ફોડતા હશે. ફટાકડાં ફોડો પરંતુ ખુલ્લા ગ્રાઉન્ડમાં ફોડો. જે ઘરમાં આગ લાગી છે, તે કદાચ રિટાયર્ડ કર્નલનું ઘર છે. તેમના પગમાં ફ્રેક્ચર છે. બિલ્ડિંગની બહાર ફટાકડાં ફોડવાને કારણે તેમના ઘરમાં આગ લાગી છે. જોકે, તેઓ ઘરમાં હાજર ન હતા. આ રહેણાંક વિસ્તાર છે, તમે અહીં રોકેટ ન ઉડાવી શકો.”

નાગરિક તરીકે મેં અવાજ ઉઠાવ્યો છે

ડેઝી શાહે પોતાના વીડિયોમાં અંતે જણાવ્યું કે, “રાજકીય પાર્ટી સાથે મારો કોઈ સંબંધ નથી. કોઈ મારા સગાવ્હાલા નથી. મેં પાર્ટીનું નામ એટલે લીધું છે કે, કોઈ જવાબદારી લે. તમે ચૂંટણી પ્રચાર માટે આ બધુ કર્યું છે. તમારા લોકોના કારણે આ દુર્ઘટના થઈ છે. કોઈ બિચારા વ્યક્તિએ ઘર ગુમાવ્યું છે. કશુંક ખોટું થયું છે, તેના માટે એક ભારતના નાગરિક તરીકે મેં મારો અવાજ ઉઠાવ્યો છે.”

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button