BMC Election 2026: આવતીકાલના પરિણામો… વિપક્ષના આક્ષેપો પર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના આકરા પ્રહાર

નાગપુરઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આજે મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે મતદાન ચાલી રહ્યું છે, પરંતુ મતદાન પ્રક્રિયામાં વપરાતી શાહી અને નવા ટેકનિકલ સાધનોને લઈને ભારે વિવાદ ઉભો થયો છે. વિપક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો અને મુંબઈના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પ્રતિક્રિયા પણ ખૂબ જ ચર્ચામાં છે.
મુંબઈ સહિત રાજ્યની મહાનગરપાલિકાઓમાં આજે મતદાનની પ્રક્રિયા શરૂ થતાની સાથે જ રાજકીય માહોલમાં એક અલગ જ પ્રકારનો ગરમાવો જોવા મળ્યો છે. આ વખતે પાલિકાની ચૂંટણીમાં પરંપરાગત શાહીને બદલે માર્કર પેનનો ઉપયોગ અને PADU નામના નવા મશીનની એન્ટ્રીને કારણે વિવાદોનો મધપૂડો છંછેડાયો છે.
આરોપ-પ્રત્યારોપનું ગંદુ રાજકારણઃ સીએમ ફડણવીસ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિપક્ષો પર વળતો પ્રહાર કરતાં તેમના દ્વારા કરવામાં આવેલા આક્ષેપો સામે તીખી પ્રતિક્રિયા આપી હતી. નાગપુરમાં પરિવાર સાથે મતદાન કર્યા બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયાના નિયમો નક્કી કરવાનો અધિકાર ચૂંટણી પંચનો છે. આ અગાઉ પણ યોજાયેલી અનેક ચૂંટણીઓમાં માર્કરનો ઉપયોગ કરવામાં આવ્યો જ છે.
વધુમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે જો કોઈને આ સામે વાંધો હોય તો ચૂંટણી પંચે આ બાબતની નોંધ લેવી જોઈએ. આવતીકાલે આવનારા પરિણામોને ધ્યાનમાં લઈને કેટલાક લોકોએ પહેલાંથી આરોપ-પ્રત્યારોપનું ગંદુ રાજકારણ ખેલવાની તૈયારી કરી રહ્યા છે.
શું છે આ ‘PADU’ મશીન?
ચૂંટણી પંચે આ વખતે PADU (Printing Auxiliary Display Unit) નામનું નવું મશીન રજૂ કર્યું છે, જેને લઈને પણ વિવિધ રાજકીય પક્ષો દ્વારા સવાલ ઉપસ્થિત કરવામાં આવ્યા છે. જો કોઈ કારણ અનુસાર EVMમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાય, તો આવી સ્થિતિમાં બેકઅપ તરીકે આ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. મુંબઈના પસંદગીના વોર્ડ માટે કુલ 140 PADU મશીન ફાળવવામાં આવ્યા છે.
ચૂંટણી પંચની સ્પષ્ટતા…
મનસેના પ્રમુખ રાજ ઠાકરે અને અન્ય વિપક્ષી નેતાઓએ સવાલ ઉઠાવ્યો છે કે, અગાઉ ક્યારેય ન વપરાયેલું આ મશીન છેલ્લી ઘડીએ કેમ લાવવામાં આવ્યું? ચૂંટણી પંચ દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ મશીન માત્ર અસાધારણ સંજોગોમાં જ વપરાશે અને સામાન્ય મતગણતરી પ્રક્રિયામાં તેનો સમાવેશ નહીં કરવામાં આવે.



