આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઉદ્ધવ સેનાની ૯૭ સીટ પર ભાજપ સાથે તો શિંદેસેના સામે ૬૯ સીટ પર ટક્કર

ઉદ્ધવ, રાજ અને શિંદેના પક્ષનું રાજકીય ભવિષ્ય પાલિકાની ચૂંટણી નક્કી કરશે?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેનાનું વિભાજન થયા બાદ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે એકબીજા વિરુદ્ધ લડયા બાદ હવે રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં તેઓ એકબીજા સાથે ટકરાવાના છે. જોકે આ વખતની મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી અનોખી બની રહેવાની છે. વર્ષોથી અલગ પડી ગયેલા પિતરાઈ ભાઈ ઉદ્ધવ અને રાજ ઠાકરેએ મરાઠીઓના અસ્તિત્વના નામે મુંબઈ મહાનગરપાલિકા પર કબજો કરવા દુશ્મની ભૂલીને એકબીજા સાથે હાથ મિલાવ્યા છે.

ચૂંટણીના મેદાનમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની ભાજપ વિરુદ્ધ ૯૭ સીટ પર તો શિંદે સેના વિરુદ્ધ ૬૭ સીટ સીધી ટક્કર થવાની હોવાનું કહેવાય છે. તો મનસે અને શિંદે એકબીજા સામે ૧૮ સીટ પર એકબીજાને ટક્કર આપશે. આ વોર્ડમાં કોનો ઉમેદવાર જીતે છે તેના પરથી મુંબઈ મહાનગરપાલિકામાં બહુમતી કોને મળશે અને કોણ રાજ કરશે એ નક્કી થશે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી ઉદ્ધવ, રાજ માટે જ નહીં પણ શિંદે માટે પણ મુંબઈમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મહત્ત્વની માનવામાં આવે છે.

મુંબઈમાં મરાઠી મતોનું વિભાજન થતું રોકવા બંને ભાઈઓએ હાથ મિલાવ્યા હોવાનું કહેવાય છે પણ પણ હકીકતમાં ઉદ્ધવની સાથે જ રાજ માટે પોતાના પક્ષનું અસ્તિત્વ ટકાવી રાખવા આ ચૂંટણી જીતો યા મરો જેવી બની રહેવાની છે. દેશની જ નહીં પણ એશિયાથી સૌથી શ્રીમંત કહેવાતી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોઈ પણ ભોગે બહુમતી મેળવી રાજ કરવું એ દરેક રાજકીય પક્ષોનું સપનું હોય છે, તેમાં હવે લગભગ નવ વર્ષ બાદ થઈ રહેલી મુંબઈમહાનગરપાલિકાની ચૂંટણી છેલ્લી બે ચૂંટણી કરતા આ વર્ષે અલગ બની રહેવાની છે.

લગભગ ૨૫ વર્ષ સુધી ભાજપ સાથે મુંબઈ મહાનગરપાલિકા શાસન કરનારી શિવસેનાનું વિભાજન થયા બાદ પહેલી વખત ઉદ્ધવ ઠાકેરની શિવસેના ભાજપના સાથ વગર આ ચૂંટણી લડી રહી છે. જોકે ઉદ્ધવની સેના રાજ ઠાકરેની મનસે સાથે યુતિ કરીને મેદાનમાં ઉતરી છે. તો ભાજપ અને શિંદે સેનાની યુતિ સાથે ચૂંટણી લડી રહી છે.

મુંબઈગરા ૧૫ જાન્યુઆરીના ચૂંટણીમાં ઠાકરે ભાઈઓએ મત આપે છે કે શિંદે-ભાજપને મત આવે છે તે ૧૬ જાન્યુઆરીએ આવનારા પરિણામ બાદ જણાશે પણ ચૂંટણીના પરિણામ ખરા અર્થમાં મુંબઈમાં કોનું જોર છે તે સાબિત કરશે એવું રાજકીય નિષ્ણાતો માને છે.

વર્ષોથી અલગ પડી ગયેલા બંને ઠાકરે ભાઈ માટે મુંબઈ સહિત રાજયમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીઓ જીતવી આવશ્યક છે. ચૂંટણીમાં આ વખતે વિકાસને બદલે મરાઠી અસ્મિતા અને મરાઠી માણૂસનો અસ્તિત્વ મહત્ત્વના મુદ્દા બની ગયા છે ત્યારે મરાઠી માણુસ કોના પર ભરોસો રાખીને મતદાન કરે છે તેના પર ચૂંટણીનું રિઝલ્ટ આધાર રાખે છે.

લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ઉદ્ધવનો સાથ છોડી દેનારા અનેક નેતાઓઓને હારનો સામનો કરવો પડયો છે, જેમાં યામિની જાદવ, સદા સરવણકર, રાહુલ શેવાળે જેવા અનેક નેતાઓનો સમાવેશ થાય છે. શિવસેના વિરુદ્ધ શિવસેનાની લડાઈમાં એક સમયમાં ઉદ્ધવ ઠાકરેના ખાસ અને અત્યંત નજીકના ગણાતા લોકો હારી ગયા હતા. છેલ્લા ત્રણેક વર્ષમાં ઠાકરેના ૪૦થી વધુ ભૂતપૂર્વ નગરસેવકો શિંદે સેનામાં જોડાઈ ગયા છે. તો રાજ ઠાકરેની મનસે માટે પોતાનું અસિત્ત્વ ટકાવવા માટેની કદાચિત આ છેલ્લો મોકો બની શકે છે.

ભાજપ વર્ષોથી પોતાના પરંપરાગત મતદારોના જોર પર આ ચૂંટણી લડી રહ્યો છે. તો શિંદે સેના પોતે જ બાળ ઠાકરેની સાચ્ચી શિવસેના છે અને મરાઠીઓની હિતેચ્છુ છે એવું સાબિત કરવા મરાઠીઓનાં મત માગી રહી છે. તો ઉદ્ધવની સેના પોતે જ બાળ ઠાકરેની સાચ્ચી શિવસેના અને મુંબઈના મરાઠીઓની હિતેચ્છુક હોવાને નામે મત માગી રહી છે. આ વખતે અનેક અર્થમાં બંને શિવસેના માટે કદાચિત મુંબઈમાં પોતાની તાકત બતાવવા છેલ્લી લડત બની શકે છે એવું રાજકીય નિષ્ણાતોનું કહેવું છે.

મરાઠી માણુસ કોને મત આપે છે, તેના પર ઉદ્ધવ સેના વિરુદ્દ શિંદે સેનાની લડાઈનું રિઝલ્ટ આધાર રાખે છે, તેમાં જો શિંદે સેનો ફટકો પડે છે તો મુંબઈ મહાનગરપાલિકામાં પોતાનો મેયર બેસાડવાના ભાજપના પ્લાનને મોટો ફટકો પડી શકે છે, કારણકે ભાજપે શિંદે સેના માટે ૯૦ સીટ છોડી છે.

મરાઠી મત વિસ્તાર ગણાતા શિવડી, વરલી, દાદર, માહિમ, વડાલા, ભાંડુપ, વિક્રોલી, ઘાટકોપર પશ્ર્ચિમ, માગાઠાણે, દિંડોશી, દહિસર, બાન્દ્રા પૂર્વ અને કલિનામાં સેના વિરુદ્ધ સેનાના ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ટકરાવવાના છે.
મુંબઈ મહાનગરપાલિકાની ૨૨૭ બેઠક માટે ઉદ્ધવની શિવસેના (યુબીટી) ૧૬૩ સીટ પર ચૂંટણી લડવાની છે. ભાજપ ૧૩૭ સીટ પર તો મનસે ૫૩ સીટપર અને શરદ પવારની રાષ્ટ્રવાદી ૧૧ સીટ પર લડવાની છે. તો કૉંગ્રેસ અને વંચિત બહુજન આઘાડી સાથે લડી રહ્યા છે.

આ પણ વાંચો…ચૂંટણીને પગલે કલ્યાણ પોલીસ દ્વારા 2,500થી વધુ પ્રતિબંધાત્મક કાર્યવાહી

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button