આમચી મુંબઈ

દુશ્મન દોસ્ત બન્યા, દોસ્ત દુશ્મન બન્યા

બીએમસી ચૂંટણીની ઉમેદવારી નોંધાવવાનો ગઈ કાલે અંત આવ્યો ત્યારે આયારામ-ગયારામોને કારણે

જોકે કોણ ક્યાંથી કોની સામે મેદાનમાં એનું અંતિમ ચિત્ર શુક્રવારે જ સ્પષ્ટ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની ટર્મ માર્ચ, 2022માં પૂરી થયા બાદ છેક ચાર વર્ષ પ્રશાસક દ્વારા મહાપાલિકાનો કારભાર ચલાવવામાં આવ્યા પછી જાહેર થયેલી ચૂંટણીને લઈ ઇચ્છુક ઉમેદવારો જેટલી જ ઉત્સુકતા મતદારોમાં પણ છે. જોકે ટિકિટ ન મળતાં નારાજ ઉમેદવારોની કૂદાકૂદ અને બળવાને જોતાં લગભગ દરેક પક્ષો દ્વારા છેલ્લી ઘડી સુધી ઉમેદવારોનાં નામ પ્રત્યે ચુપકીદી સેવવામાં આવી હતી. ઉમેદવારોનાં નામનું લિસ્ટ જાહેર કરવા પહેલાં ચૂપચાપ ‘એબી’ ફૉર્મની વહેંચણીનો સિલસિલો મંગળવારે પણ શરૂ રહ્યો હતો, જેને પગલે મંગળવારની મોડી સાંજ સુધી ભાજપ સિવાયના અન્ય પક્ષો દ્વારા ઉમેદવારોના લિસ્ટ અંગે સસ્પેન્સ જાળવવામાં આવ્યું હતું.

આમ તો ચિત્ર ઠીક ઠીક સ્પષ્ટ થયું છે, પણ ખરેખર કોણ કોની સામે ક્યાંથી મેદાનમાં છે એનું અંતિમ ચિત્ર બીજી જાન્યુઆરી, 2026ના જ સ્પષ્ટ થશે, જે ઉમેદવારી ખેંચવાની છેલ્લી તારીક છે. સોમવાર અને મંગળવારમાં જ એક પક્ષમાંથી બીજામાં એવી કૂદાકૂદ નેતાઓની ચાલી કે દુશ્મન દોસ્ત બન્યા અને દોસ્ત દુશ્મન બન્યા હતા.

મહાપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાનો મંગળવારે છેલ્લો દિવસ હતો, જેને પગલે કયા પક્ષ દ્વારા કોને ટિકિટ મળે છે અને કોની કપાય છે તે જાણવા મતદારોને ઘણો રસ હતો. એટલી જ ઉત્સુકતા ઇચ્છુક ઉમેદવારોમાં પણ જોવા મળી હતી. જે ઇચ્છુક ઉમેદવારોને ટિકિટ નથી મળી તેમાં નારાજગી જોવા મળી હતી, જેને પગલે અમુક સ્થળે કાર્યકરોએ હંગામો કર્યાનું પણ સામે આવ્યું હતું.

બીજી બાજુ, પક્ષો દ્વારા ટિકિટ આપવામાં આવ્યા પછી અનેક ઉમેદવારો ઢોલ-નગારા સાથે વાજતેગાજતે ફૉર્મ ભરવા ચૂંટણી અધિકારી કચેરીએ પહોંચ્યા હતા. આ ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં સમર્થકો જતા હોવાથી અનેક ઠેકાણે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી. મુંબઈમાં 23 ચૂંટણી અધિકારી કચેરી બનાવવામાં આવી હતી. તેની આસપાસના પરિસરમાં પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તો ટ્રાફિક પોલીસ વાહનવ્યવહારનું સંચાલન કરતા જોવા મળ્યા હતા.

ફૉર્મ ભરવાના છેલ્લા દિવસે, મંગળવારે મોડી સાંજ સુધી પક્ષો તેમના ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં ખચકાટ અનુભવતા હતા. આની પાછળનું મુખ્ય કારણ ઇચ્છુક ઉમેદવારોના પક્ષપલટાને માનવામાં આવે છે. ટિકિટ ન મળી હોય તેવા ઉમેદવારો તરત જ બીજા પક્ષમાં કૂદકો મારતા હતા અને સૌના આશ્ર્ચર્ય વચ્ચે બળવો કરીને આવેલા ઉમેદવારોને પક્ષ દ્વારા તાત્કાલિક એબી ફૉર્મ આપવામાં આવતાં હતાં.

છેલ્લાં ચાર વર્ષથી ભૂતપૂર્વ નગરસેવકો ચૂંટણીમાં ઉમેદવારી મળવાની રાહ જોતા હતા, પરંતુ અનેક ઉમેદવારોએ હતાશ થવું પડ્યું હતું. પક્ષો દ્વારા નવા ચહેરા લાવવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ નગરસેવકોનું પત્તું કાપીને યુવાનોને મોકો આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

આશ્ર્ચર્યની વાત એટલે ડિજિટલના જમાનામાં પલક ઝબકારામાં થતાં કાર્યો માટે પણ ચૂંટણી પંચ ધીમું પડ્યું હોવાનું જણાતું હતું. પક્ષો તો ઠીક, પણ ચૂંટણી પંચ દ્વારા પણ ઉમેદવારોને લઈ સસ્પેન્સ જાળવવામાં આવ્યો હતો.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button