ચૂંટણી માટે વાંસળી, હાથગાડી, બિસ્કિટ જેવા ચિહ્નોની વહેંચણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઊભા રહેલા ઉમેદવારોને શનિવારે ચૂંટણી પંચ દ્વારા ચિહ્નોની વહેંચણી કરવામાં આવી હતી, જેમાં ટેબલ, વાંસળી, હાથગાડી, હોડી, બસ, ગ્રામોફોન જેવા ચિહ્નોનો સમાવેશ થાય છે.
મુંબઈ મહાનગરપાલિકા સહિત રાજ્યની કુલ ૨૯ મહાનગરપાલિકાની ચૂંટણી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ યોજાઈ રહી છે. ચૂંટણીમાં મોટા પક્ષોના પોતાના ચિહ્નો છે, પણ અપક્ષોને ચૂંટણી પંચ દ્વારા ચિહ્નો આપવામાં આવે છે. શનિવારે સત્તાવાર રીતે ચૂંટણી પંચે તમામ અપક્ષ ઉમેદવારોેને ચિહ્નોની વહેંચણી કરી હતી.
મુંબઈ મહાનગરપાલિકાની ૨૨૭ બેઠક માટે ૧,૭૦૦ ઉમેદવારો ચૂંટણના મેદાનમાં છે, જેમાં મુખ્ય પક્ષોના ઉમેદવારોની સાથે જ નવા પક્ષો અને અપક્ષોનો સમાવેશ થાય છે. બે જાન્યુઆરી, ૨૦૨૬ના ઉમેદવારી પાછી ખેંચવાનો દિવસ હતો. એ બાદ મેદાનમાં ૧,૭૦૦ ઉમેદવારો રહ્યા છે, જેની અંતિમ યાદી ત્રણ જાન્યુઆરીના બહાર પાડવામાં આવી હતી. એ સાથે જ તેમને ચિહ્નો પણ આપવામાં આવ્યા હતા.
ધનુષ્યબાણ, મશાલ, પંજો, કમળ, રેલવે એન્જિન, હાથી, ઘડિયાળ જેવા ચિહ્નો મુખ્ય પક્ષોના છે, જયારે અપક્ષ અને નાના પક્ષોને ચિહ્નો આપવામાં આવ્યા હતા. જેમાં વાંસળી, હાથગાડી, કપબસી, નાળિયેર, પુસ્તક, કમ્પ્યુટર, રિક્ષા, હોડી, બસ, ગ્રામોફોન, ટેબલ, સીસીટીવી, પેન, હેલિકોપ્ટર, ચાવી, ચશ્મા, સિલિન્ડર, સિલાઈ મશીન, ફુટબોલ, એરકંડિશન, સિટી, સફરજન વગેરેનો સમાવેશ થાય છે.
મેદાનમાં ઓછા ઉમેદવાર
મુંબઈ મહાનગરપાલિકાની ૨૦૧૭માં થયેલી ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારોની સંખ્યા કરતા આ વર્ષની ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારોની સંખ્યા ઓછી છે. ૨૦૧૭માં ૨,૨૮૨ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા હતા, જેમાં ૧,૧૯૬ પુરુષ અને ૧,૦૮૬ મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે. તો આ વખતે કુલ ૧,૭૦૦ ઉમેદવાર છે, જેમાં ૮૨૧ પુરુષ તો ૮૭૯ મહિલા ઉમેદવાર છે. પુરુષ ઉમેદવારની ટકાવારી ૪૮ ટકા છે, તો મહિલા ઉમેદવારી ૫૨ ટકા છે.
નાના-મોટા ૨૯ પક્ષો મેદાનમાં
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી આ વર્ષે નાના-મોટા ૨૯ પક્ષ મેદાનમાં છે, જેમાં શિવસેનાનું વિભાજન થતા હવે ઉદ્ધવની અને શિંદેની શિવસેના મેદાનમાં છે. મનસે, કૉંગ્રેસ, ભાજપ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટીનો સમાવેશ થાય છે. તો રાષ્ટ્રવાદી કૉંગ્રેસનું પણ વિભાજન થતા શરદ પવારની રાષ્ટ્રવાદી અને અજિત પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ થઈ ગઈ છે. એ સિવાય એમઆઈએમ, વંચિત બહુજન આઘાડી સહિત સનદ છત્રપતિ શાસન, વિનાયક મેટે વિકાસ આઘાડી, બહુજન મુક્તિ પાર્ટી, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, અખિલ ભારત હિંદુ મહાસભા, જનતા દળ (સેક્યુલર) રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમિ પાર્ટી, ભારતીય કમ્યુનિસ્ટ પક્ષ, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે), પ્રહા જનશક્તિ પક્ષ, સંભાજી બ્રિગેડ, રાષ્ટ્રીય સમાજ પક્ષ, પીસ પાર્ટી, ઉત્તર ભારતીય વિકાસ સેના, વેલ્ફેર પાર્ટી ઓફ ઈન્ડિયા બળીરાજ સેના વગેરે પક્ષોના ઉમેદવાર પણ મેદાનમાં છે.
આ પણ વાંચો…BMC ચૂંટણી: ઉદ્ધવ ઠાકરેની મોટી કાર્યવાહી, 29 બળવાખોર ઉમેદવારની પક્ષમાંથી હકાલપટ્ટી…



