બીએમસી ચૂંટણીમાં ‘મૈત્રીપૂર્ણ’ લડાઈ કોને ભારે પડશે?

મુંબઈઃ બીએમસી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા હતાં ત્યારે એવું લાગી રહ્યું હતું કે, આ વખતે મહાયુતિ અને મહાવિકાસ આઘાડી (એમવીએ) વચ્ચે ‘કાંટે કી ટક્કર’ થશે. પણ જેમ જેમ સમય નજીક આવતો ગયો તેમતેમ ચૂંટણીનું ચિત્ર વિચિત્ર થતું ગયું. બીએમસી ચૂંટણીમાં ભાજપ-શિવસેના મહાયુતિ, શિવસેના (યુબીટી)-મનસે-એનસીપી (શરદ પવાર) અને કોંગ્રેસ-વીબીએ જેવા મોટા ગઠબંધનો બન્યા હોવા છતાં શહેરની કુલ 15 બેઠક પર ‘મૈત્રીપૂર્ણ લડાઈ’ જોવા મળશે.
એવું માનવામાં આવી રહ્યું છે કે “મૈત્રીપૂર્ણ લડાઈઓ” ગઠબંધનની સંભાવનાઓને નુકસાન પહોંચાડી શકે છે. કેટલાક મતવિસ્તારોમાં, બેઠકોની વહેંચણી અંગેના મતભેદોને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે, જ્યારે અન્યમાં તેને વિપક્ષી મતોને વિભાજીત કરવાના વ્યૂહાત્મક પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
સૌથી વધુ મૈત્રીપૂર્ણ લડાઈ મહાયુતિ ગઠબંધનમાં ભાજપ વિરુદ્ધ શિવસેના અને ભાજપ/શિવસેના વિરુદ્ધ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે જૂથ) વચ્ચે છે. વધુમાં, કોંગ્રેસ અને વીબીએ એક બેઠક, ભાંડુપ પર આમને-સામને છે. રાજકીય નિરીક્ષકો કહે છે કે ચૂંટણીની જાહેરાત થાય ત્યાં સુધી ગઠબંધનની ચર્ચાઓ સંપૂર્ણપણે અંતિમ સ્વરૂપ પામી નહોતી.
નામાંકનની સમયમર્યાદા પસાર થઈ ગયા પછી પણ ઘણા મુખ્ય પક્ષોએ સત્તાવાર રીતે તેમના ઉમેદવારોની જાહેરાત કરી નહોતી. આ મૂંઝવણને કારણે મહાગઠબંધનના ઉમેદવારો કેટલીક બેઠકો પર ઉમેદવારી નોંધાવી શક્યા નહીં અને ઘણી જગ્યાએ એક જ ગઠબંધનના એક કરતાં વધુ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા. પરિણામે, 15 બેઠકો પર મૈત્રીપૂર્ણ લડાઈઓ થઈ.
તમને જણાવી દઈએ કે આરપીઆઈ (આઠવલે) મહાયુતિનો ભાગ હોવા છતાં, પાર્ટીએ 11 વોર્ડમાં તેના સત્તાવાર ઉમેદવારો ઊભા રાખ્યા છે, જેમાંથી પાંચ ભાજપ વિરુદ્ધ અને છ શિવસેના વિરુદ્ધ છે. દરમિયાન, વિધાનસભા અધ્યક્ષ અને ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકરે શિવસેના પર કટાક્ષ કરતા કહ્યું કે કોલાબાના વોર્ડ 225માં શિવસેનાના ઉમેદવારને 10,000થી વધુ મતોથી હારનો સામનો કરવો પડશે.
આ વોર્ડમાંથી રાહુલ નાર્વેકરની ભાભી હર્ષિતા નાર્વેકર અને શિવસેનાની સુજાતા સનપ ચૂંટણી લડી રહી છે. વોર્ડ 226માં, જ્યાં રાહુલ નાર્વેકરના ભાઈ મકરંદ નાર્વેકર ચૂંટણી લડી રહ્યા છે, શિવસેનાના ઝોનલ ઓફિસર દીપક પવારની પત્ની તેજલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. એકંદરે, ગઠબંધન હોવા છતાં, આ મૈત્રીપૂર્ણ લડાઈઓએ ચૂંટણી સમીકરણોને જટિલ બનાવી દીધા છે, જેના કારણે મતદારોમાં મૂંઝવણ ઊભી થઈ છે.
બીએમસીની તમામ 227 બેઠક પર મરાઠીઓ મોટા ભાગના ઉમેદવારોનું પ્રતિનિધિત્વ કરે છે. લગભગ તમામ મુખ્ય રાજકીય પક્ષોએ આ વખતે ઓળખની રાજનીતિ, ખાસ કરીને ભાષાકીય ઓળખ પર ભાર મૂકીને સલામત રમત રમી છે.
આ પણ વાંચો…વિપક્ષને હારનો અંદાજ આવી ગયોઃ એકનાથ શિંદેએ ઠાકરેભાઈઓને આપ્યો જવાબ
તમામ પક્ષોના સીટ-શેરિંગ ડેટા પર નજર કરીએ તો, મરાઠી ભાષી ઉમેદવારો કુલ ઉમેદવારોના બે તૃતીયાંશ કરતાં વધુ છે, ત્યારબાદ મુસ્લિમ અને ઉત્તર ભારતીય સમુદાયો છે. યુબીટી દ્વારા મરાઠી મૂળ ધરાવતા 136 ઉમેદવારોને સૌથી વધુ ટિકિટ આપવામાં આવી છે, જે બધા પક્ષોમાં સૌથી વધુ છે.
. ભાજપ પક્ષે કુલ 94 મરાઠી ઉમેદવારોને ટિકિટ આપી છે.
. શિવસેના શિંદે જૂથે કુલ 67 મરાઠી ઉમેદવારોને ટિકિટ આપી છે.
. રાજ ઠાકરેની મનસેએ કુલ 46 મરાઠી ઉમેદવારોને ટિકિટ આપી છે.
. કોંગ્રેસે કુલ 68 મરાઠી ઉમેદવારોને ટિકિટ આપી છે.
. એનસીપી શરદ પવારે 1, એનસીપી અજીતે 2, સપાએ 2 અને એમઆઈએમએ 1 મરાઠી ઉમેદવારને ટિકિટ આપી છે.



