મોહમ્મદ અલી રોડ પર સતત ત્રીજા દિવસે પાલિકાનું બુલડોઝર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં મોહમ્મદ અલી રોડ, ઝકેરિયા રોડ સહિત મૌલાના શૌકતઅલી રોડ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સતત ત્રણ દિવસથી કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં ગેરકાયદે બાંધકામને હટાવીને ફૂટપાથ અને રસ્તાને અતિક્રમણ મુક્ત કરવાની ઝુંબેશ હાથ ધરાઈ છે.
મોહમ્મદ અલી રોડ પર મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવતા હોય છે, તો અહીંની ખાઉં ગલીમાં ખાવાના શોખીનો પણ મોટી સંખ્યામાં સાંજ બાદ ઉમટી પડતા હોય છે પણ મોટાભાગના ફેરિયાઓ અને દુકાનદારો ગેરકાયદેસર રીતે અહીં ફૂટપાથ તથા રસ્તા પર અતિક્રમણ કરીને બેઠેલા છે, તેને કારણે નાગરિકોને ફૂટપાથ પર ચાલવામાં અને વાહનચાલકોને રસ્તા પર વાહન ચલાવવામાં પણ અનેક વખત અડચણોનો સામનો કરવો પડે છે.
આપણ વાચો: દક્ષિણ મુંબઈના રસ્તા પરના ગેરકાયદે બાંધકામ પર પાલિકાનો હથોડો…v
પાલિકાના ‘બી’ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર યોગેશ દેસાઈએ જણાવ્યું હતું કે ૨૯ જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી દરમ્યાન વોર્ડમાં ગેરકાયદે બાંધકામને હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી.
જે અંતર્ગત છેલ્લા ત્રણ દિવસઆ કાર્યવાહી ફરી ચાલુ કરવામાં આવી છે, જેમાં બુધવારે દિવસ દરમ્યાન મોહમ્મદ અલી રોડ પરના ગેરકાયદે બાંધકામ હટાવવાની સાથે જ રસ્તા તથા બ્રિજ પર ગમે ત્યાં જોખમી રીતે લટકી રહેલા કેબલ વાયર, ગેરકાયદે રીતે લીધેલા ઈલેક્ટ્રિકના વાયરોના જોડાણ પર હટાવવામાં આવ્યા હતા. રસ્તા તથા ફૂટપાથ પરના અતિક્રમણ હટાવીને અહીં સફાઈ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી.



