કચરા પર પ્રક્રિયા કરનારા બલ્ક વેસ્ટ જનરેટરોને પ્રોપર્ટી ટેક્સમાં મળશે રાહત...

કચરા પર પ્રક્રિયા કરનારા બલ્ક વેસ્ટ જનરેટરોને પ્રોપર્ટી ટેક્સમાં મળશે રાહત…

૨,૬૦૯ બલ્ક વેસ્ટ જનરેટરોમાંથી માંડ ૭૮૪ લોકો જ પરિસરમાં કચરા પર પ્રક્રિયા કરે છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ મહાનગરપાલિકા મોટા પ્રમાણમાં કચરાનું નિર્માણ કરનારાઓને (બલ્ક વેસ્ટ જનરેટર) મૂળ સ્થાને જ કચરા પર પ્રક્રિયા કરવાનું ફરજિયાત કરવાને આઠ વર્ષ થયા બાદ પણ આ નિયમને અમલમાં મૂકવામાં નિષ્ફળ ગઈ છે. ૨,૬૦૯ મોટા રહેણાંક અને કમર્શિયલ બલ્ક વેસ્ટ જનરેટરોમાંથી માંડ ૭૮૪ લોકો જ સ્થળ પર ભીના કચરા પર પ્રક્રિયા કરી રહ્યા છે.

જયારે ૭૨૭ લોકો હજી પણ કચરાનો નિકાલ કરવા માટે થર્ડ પાર્ટી પર આધાર રાખી રહ્યા છે અને જે હવે સુધરાઈના નિયમ હેઠળ પ્રતિબંધિત છે. જયારે બાકીના ૧,૦૯૮ લોકો કચરો સીધો સુધરાઈને આપે છે. પાલિકા પ્રશાસને તમામ બલ્ક વેસ્ટ જનરેટરોને તેમના જ પરિસરમાં કચરા પર પ્રક્રિયા કરવા અથવા સત્તાવાર રીતે પાલિકાને કચરો સોંપવા માટેનો કડક આદેશ આપ્યો છે.

મુંબઈમાં મોટા પ્રમાણમાં કચરો (બલ્ક વેસ્ટ જનરેટર) નિર્માણ કરનારા રહેણાંક/કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા કચરા પર પોતાના પરિસરમાં જ પ્રક્રિયા કરવાને બદલે તેને થર્ડ પાર્ટી (કૉન્ટ્રેક્ટર)ને આપવામાં આવતો હોવાનું જણાઈ આવ્યું છે. તેથી પાલિકાએ કૉન્ટ્રેક્ટરને કચરો આપવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

તેમ જ બલ્ક જનરેટરોને તેમના જ પરિસરમાં કચરા પર પ્રક્રિયા કરવી અથવા પાલિકાને કચરો સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે એસ્ટાબ્લિશમેન્ટ પોતાના જ પરિસરમાં કચરા પર પ્રક્રિયા કરશે તેમને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવશે એવું એડિશનલ કમિશનર અશ્ર્વિની જોશીએ જણાવ્યું હતું.

દરરોજ ૧૦૦ કિલો કરતા વધુ કચરાનુુંં નિર્માણ કરનારા અથવા ૫,૦૦૦ ચોરસ મીટર કરતા વધુ ક્ષેત્રફળ ધરાવતા એસ્ટાબ્લિશમેન્ટનો બલ્ક વેસ્ટ જનરેટરમાં સમાવેશ થાય છે. મુંબઈમાં હાલ કુલ ૨,૬૦૯ એસ્ટાબ્લિશમેન્ટ બલ્ક વેસ્ટ જનરેટરો છે, તેમાંથી કુલ ૭૮૪ એસ્ટાબ્લિશમેન્ટ તેમના પરિસરમાં જ કચરા પર પ્રક્રિયા કરે છે. તો ૭૨૭ એસ્ટાબ્લિશમેન્ટ થર્ડ પાર્ટી એટલે કે કે કૉન્ટ્રેક્ટરને કચરો આપે છે. તો ૧,૦૯૮ એસ્ટાબ્લિશમેન્ટ પાલિકાને કચરો આપે છે.

પાલિકા દ્વારા હવે ૧૫થી ૩૧ ઑગસ્ટ, ૨૦૨૫ દરમ્યાન આ તમામ એસ્ટાબ્લિશમેન્ટની હાલની સ્થિતિ જાણવા માટે સર્વેક્ષણ કરવામાં આવવાનું છે. મોટા પ્રમાણમાં કચરો નિર્માણ કરનારા એસ્ટાબ્લિશમેન્ટના નામ, તેમની ત્યાં કચરા પર પ્રક્રિયા થાય છે કે નહીં અને થાય છે તો કંઈ સંસ્થા મારફત કરવામાં આવે છે અને તેની માટે કેટલી ફી વસૂલ કરવામાં આવે છે જેવા બાબતોને સર્વેક્ષણમાં ધ્યાનમાં રાખવામાં આવશે એવું અશ્ર્વિની જોશીએ જણાવ્યું હતું.

પાલિકાને અહીં સંપર્ક કરો
તમારી સોસાયટી બલ્ક જનરેટર શ્રેણીમાં આવતી હોય અને તમે પાલિકાને કચરો આપવા માંગતા હોય તો તે માટે રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. રજિસ્ટેશન માટે

https://docs.google.com/forms/d/e/1FAIpQLSc6zR8XHoOzXRNanCCdj4oKtS27Iu7vuaXBANiCGoKCfUCn5g
/viewform

લિંક પર જઈને ફોર્મ ભરવાનું રહશે. મુંબઈના રજિસ્ટર્ડ એસ્ટાબ્લિશમેન્ટને વોટ્સઍપ તથા અન્ય માધ્યમથી ક્યૂઆર કોડ સ્કેન કરીને પણ રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા કરી શકશે.

જોખમી કચરા માટે પાલિકા પીળી કચરાપેટી આપશે
સુધરાઈના ઘનકચરા વિભાગ મારફત ડોમેસ્ટીક સૅનિટરી ઍન્ડ સ્પેશિયલ કેર વેસ્ટ કલેકશન સેવા પૂરી પાડવામાં આવે છે. આ સેવા હવે બલ્ક જનરેટરો માટે ફરજિયાત કરવામાં આવી છે. તેથી આવા એસ્ટાબ્લિશમેન્ટે આ સર્વિસ માટે રજિસ્ટ્રેશન કરાવીને તેમના સૅનિટરી ઍન્ડ સ્પેશિયલ કેર વેસ્ટ કલેકશન કચરાનું વર્ગીકરણ કરીને પાલિકાને સોંપવાનો રહેશે.

તેમ જ આ સેવા અંતર્ગત અત્યાર સુધી જુદી જુદી હાઉસિંગ સોસાયટી, બ્યુટી પાર્લર, મહિલા હૉસ્ટેલ, શૈક્ષિણિક સંસ્થા વગેરેને કચરો ભેગો કરવા માટે ખાસ તૈયાર કરવામાં આવેલી પીળી કચરાપેટીનું વિતરણ પાલિકા દ્વારા ૧૮ ઑગસ્ટ, ૨૦૨૫થી કરવામાં આવશે. અત્યાર સુધી ૩,૫૩૬ એસ્ટાબ્લિશમેન્ટે આ સર્વિસ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં ૨,૦૯૧ હાઉસિંગ સોસાયટી, ૧,૧૪૬ બ્યુટી પાર્લર, ૨૮૬ શૈક્ષણિક સંસ્થા, ૪૦ મહિલા હોસ્ટેલનો સમાવેશ થાય છે.

પણ વાંચો…મુંબઈના દરિયા 2030 સુધીમાં સ્વચ્છ થશે૧૭,૧૮૨ કરોડ રૂપિયાના ખર્ચે સાત સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેક્ટ…

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button