આમચી મુંબઈ
દાદર ફ્લાયઓવર નીચે ચોરીને વીજનું જોડાણ લેનારા ફેરિયાઓ સામે પાલિકા આક્રમક
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના રેલવે સ્ટેશનોને ફેરિયાઓ મુક્ત અને ફૂટપાથને અતિક્રમણ મુક્ત કરવા માટે મુંબઈમાં ઠેર પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ સોમવારે દાદર (પશ્ચિમ)માં રેલવે સ્ટેશન બહારના પરિસરની મુલાકાત લીધી હતી અને તેમણે ફ્લાયઓવર નીચે બેસીને ગેરકાયદે રીતે વીજનું જોડાણ લેનારા ફેરિયાઓ સામે આકરા પગલા લેવાનું અને વીજનું જોડાણ ખંડિત કરવાનો આદેશ આપ્યો હતો.
આ દરમિયાન સમગ્ર દિવસ દરમિયાન પાલિકાએ અંધેરી સ્ટેશન પૂર્વ, હિલ રોડ-બાન્દ્રા, મલાડ રેલવે સ્ટેશન પૂર્વ, દાદાભાઈ નવરોજી માર્ગ-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વગેરે ઠેકાણે કાર્યવાહી કરી હતી.