હાર્બર લાઈનમાં 22 દિવસનો મહાબ્લોક
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હાર્બર લાઈનના પ્રવાસીઓ માટે આગામી 22 દિવસ માટે બેડ ન્યૂઝ આવ્યા છે, કારણ કે પનવેલ સ્ટેશન પર ટે્રન રદ કરવામાં આવશે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (ડીએફસી) માટે જેએનપીટી સુધી કામ ચાલી રહ્યું છે અને આ કામકાજ માટે પનવેલમાંથી બે રેલવે ટે્રક પણ પસાર કરવામાં આવશે. આ રેલવે ટે્રક પર કામ 18 ઓગસ્ટથી શરૂ થયું હતું અને રોજ રાતના લગભગ 3 કલાકનો બ્લોક લેવામાં આવ્યો હતો. હવે પનવેલ યાર્ડમાં મહત્ત્વના કામકાજ કરવામાં આવશે, જેના કારણે રાતના બ્લોકનો સમયગાળો વધારીને 5 કલાક કરવામાં આવી રહ્યો છે. આ બ્લોકને કારણે સીએસએમટી (છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ)થી પનવેલ સુધીની લાસ્ટ લોકલ રાત્રે 10.58 કલાકની હશે. એના પછી પનવેલ ટે્રનોને બેલાપુરમાં જ રોકવામાં આવશે.
વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરનો લગભગ 70 ટકા હિસ્સો તૈયાર થઈ ગયો છે, પરંતુ હવે મહારાષ્ટ્રનું 30 ટકા કામ હવે શરૂ થયું છે. મધ્ય રેલવે દ્વારા પનવેલ રેલવે સ્ટેશન પર માટે બે ટે્રક બનાવી રહી છે જેના માટે 45 દિવસનો બ્લોક લેવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કા માટે બ્લોક લેવામાં આવ્યા છે, હવે બીજા તબક્કામાં 2 ઓક્ટોબર સુધી બ્લોક લેવામાં આવશે. આ બ્લોક રાતના 11.30થી સવારના 5 વાગ્યા સુધી રહેશે. બ્લોક સમયગાળા દરમિયાન કેટલીક સ્થાનિક સેવાઓ રદ રહેશે.
ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (ડીએફસી) લાંબા અંતરની ટે્રનોની ઝડપ વધારવામાં મહત્ત્વની ભૂમિકા છે. ડીએફસીનું કામ ખૂબ જ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે, જેથી ગૂડ્સ ટે્રનો માટે અલગ કોરિડોર મળશે. જેએનપીટીથી દાદરી સુધીના 1506 કિલોમીટર લાંબા કોરિડોરનો મુખ્ય 109 કિમીનો ભાગ વૈતરણાથી જેએનપીટી સુધી તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ કોરિડોર પનવેલ સ્ટેશનમાંથી પસાર થશે, તેથી પનવેલ સ્ટેશન પર ડીએફસી માટે બે લાઇન (અપ-ડાઉન)નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
હવે સીએસએમટીથી પનવેલ સુધીની લાસ્ટ લોકલ 10:58 વાગ્યે હશે. આ પછી સીએસએમટીથી પનવેલની લોકલ બેલાપુર સુધી રાતના 11:30 કલાકે, 11:52 કલાકે, 12:13 કલાકે અને 12:40 કલાકે રહેશે. એ જ રીતે થાણેથી પનવેલ સુધીની ડાઉન ટ્રાન્સ હાર્બર લાઇન પર લાસ્ટ લોકલ 23:32 વાગ્યે રહેશે.