બીકેસી અંડરગ્રાઉન્ડ બુલેટ ટ્રેન સ્ટેશન પાસે ઊભુ કરાશે બહુમાળીય પાર્કિંગ

મુંબઈ: મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું છેલ્લું સ્ટેશન બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં બાંધવામાં આવવાનું છે. બુલેટ ટ્રેન શરૂ થયા બાદ અહીં વાહનોની સંખ્યામાં જબરદસ્ત વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને અહીં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) એ દ્વારા અહીં બહુમાળીય પાર્કિંગ ઊભું કરવાની છે, તે માટે તેણે પ્લાન પણ તૈયાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
બુલેટ ટ્રેનથી મુંબઈ-અમદાવાદ વચ્ચેનું અંતર બેથી અઢી કલાકમાં પાર કરી શકાશે. નેશનલ હાઈ-સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ દ્વારા ૫૦૮ કિલોમીટર લંબાઈના આ રૂટ પર બુલેટ ટ્રેનનું કામ કરી રહી છે. આ રૂટ પર છેલ્લું સ્ટેશન બીકેસી હશે અને તે અંડરગ્રાઉન્ડ હશે. બુલેટ ટ્રેન ૨૦૨૮-૨૯ સુધીમાં શરૂ થવાની શક્યતા છે.
આ સ્ટેશન શરૂ થયા બાદ બીકેસીમાં આવનાર વાહનોની સંખ્યામાં વધારો થશે. સ્ટેશન નજીક કોઈ પાર્કિંગની વ્યવસ્થા નથી. તેથી પ્લાનિંગ ઓથોરિટી ગણાતી એમએમઆરડીએની ચિંતા વધી ગઈ છે. હકીકતમાં બીકેસીમાં પહેલાથી ટ્રાફિકની સમસ્યા રહી છે.
તેમાં બુલેટ ટ્રેન શરૂ થયા બાદ વાહનોની સંખ્યા વધવાની સાથે જ ટ્રાફિક સમસ્યા પણ વકરવાની શકયતાને ધ્યાનમાં રાખી બહુમાળીય પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવાની યોજના હાથ ધરવામાં આવી છે. તે માટે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે અને બહુ જલદી તે મુજબ કામ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો…નવી મુંબઈ એરપોર્ટ અને બુલેટ ટ્રેન સ્ટેશન એક જ સ્થળે: મુસાફરી બનશે વધુ સરળ…