આમચી મુંબઈટોપ ન્યૂઝવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મહારાષ્ટ્રની ચૂંટણીમાં બળવાખોર વિધાનસભ્યો કોની ગેમ બગાડશે?

મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણીના મતદાનની તારીખ નજીક આવતી જાય છે, તેમ તેમ દરેક પક્ષોનું ટેન્શન વધતું જાય છે. આ વખતે મહાયુતિ કે MVAમાંથી કોણ બાજી મારશે, એવો સવાલ ચર્ચાઇ રહ્યો છે. આ ઉપરાંત આ વખતે ચૂંટણીમાં બળવાખોર વિધાનસભ્યોએ પણ મહાયુતિ અને મહાવિકાસ આઘાડી (MVA)ના નેતાઓનો તણાવ વધારી દીધો છે. મળતી માહિતી મુજબ મહાયુતિના 36 ઉમેદવારો તો મહાવિકાસ આઘાડીના 14 બળવાખોર ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ઉમેદવારોના નામાંકન પરત ખેંચવાની તારીખ ચોથી નવેમ્બર છે.

આવી સ્થિતિમાં બંને ગઠબંધનના નેતાઓ ઉમેદવારીપત્રો પરત ખેંચવાની તારીખની રાહ જોઈ રહ્યા છે અને ત્યાં સુધી દરેક પક્ષના નેતાઓની ઉંઘ હરામ થઇ ગઇ છે. મતોનું વિભાજન ના થાય એની ખાતરી કરવા માટે તમામ મોટા પક્ષના નેતાઓએ બળવાખોરોને યેનકેન પ્રકારે શાંત પાડવાનો પ્રયાસ પણ કર્યો છે. બંને ગઠબંધનના નેતાઓ બળવાખોર નેતાઓ ઉમેદવારીપત્ર પરત ખેંચે તેની રાહ જોઇ રહ્યા છે.

શાસક મહાયુતિમાંના નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના નેતા અજિત પવાર ભાજપના દેવેન્દ્ર ફડણવીસને તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતા. ત્યાર બાદ પવારે અપક્ષ ઉમેદવાર નાના કેટને તેમની ઉમેદવારી પાછી ખેંચવા સમજાવ્યા હતા.

પક્ષવાર બળવાખોર સભ્યોની વાત કરીએ તો ભાજપના સૌથી વધુ 19 સભ્યો બળવાખોરની ભૂમિકામાં છે. શિંદેસેનામાં 16 અને અજિત પવારની એનસીપીમાં એક બળવાખોર સભ્ય છે. MVAમાં સૌથી વધુ 10 બળવાખોરો કોંગ્રેસના છે અને બાકીના ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના છે. શિંદેની પાર્ટીના નવ બળવાખોરો એવા મતવિસ્તારોમાં ચૂંટણી લડી રહ્યા છે જ્યાં ભાજપે તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ બાબત ભાજપ અને શિંદે સેના બંને માટે માથાનો દુખાવો બની ગઇ છે.

Also Read – Maharashtra Election 2024 :યોગી આદિત્યનાથને મળી મોટી જવાબદારી, આટલી રેલીઓ સંબોધશે

MVAમાં પણ બળવો ચાલી રહ્યો છે. કેટલીક બેઠકો પર, બળવાખોર શરદ પવારની NCPના ઉમેદવારોએ શિવસેના (UBT) અથવા કોંગ્રેસના સત્તાવાર MVA ઉમેદવારો સામે તેમની ઉમેદવારી નોંધાવી છે. શરદ પવાર અને તેમની પાર્ટીના રાજ્ય એકમના વડા જયંત પાટીલ બળવાખોર નેતાઓનો સંપર્ક કરી તેમને નામાંકન પાછું ખેંચવા સમજાવી રહ્યા છે. કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના વડા નાના પટોલે અને વિજય વડેટ્ટીવાર અને બાલાસાહેબ થોરાટ પણ બળવાખોર સભ્યોને પક્ષના હિતમાં ઉમેદવારીપત્ર પરત ખેંચવા સમજાવી રહ્યા છે.

Also Read – જાણો છો! મહારાષ્ટ્રમાં 100 વર્ષથી વધુ વયના કેટલા મતદારો છે?

રાજ્યમાં નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 4 નવેમ્બર છે. મતદાન 20 નવેમ્બરે છે અને 288 સભ્યોની વિધાનસભા માટેના ચૂંટણી પરિણામો 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે ત્યારે એ જોવાનું રહેશે કે ચૂંટણીમાં કયો પક્ષ બાજી મારશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button