
મુંબઈઃ લોકસભાની ચૂંટણી પછી મહારાષ્ટ્રમાં મહાયુતિના પક્ષો વચ્ચે કોઈના કોઈ મુદ્દે ખેંચતાણ ચાલુ છે, જેમાં તાજેતરમાં પુણેના અકસ્માત મુદ્દે ભારતીય જનતા પાર્ટી અને અજિત પવાર જૂથના નેતાઓ સામસામે આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે.
અજિત પવાર જૂથના વિધાનસભ્ય દિલીપ મોહિતે પાટીલના ભત્રીજા મયૂરની ગાડી દ્વારા થયેલા અકસ્માતમાં એક જણનું મૃત્યુ થવાની ઘટના બની અને આ ઘટનાને હાલમાં જ બનેલી હાઇ પ્રોફાઇલ પોર્શ કાર અકસ્માતની ઘટના સાથે સરખાવવામાં આવી રહી છે. એવામાં આ અકસ્માતને પગલે મહાયુતિના બે પક્ષ આમને સામને આવી ગયા હોવાનું જણાઇ રહ્યું છે. આ ઘટના બાદ ભાજપના નેતા તેમ જ પ્રધાન ચંદ્રકાંત પાટીલે નિવેદન આપ્યું હતું કે હું જ્યારે પાલક પ્રધાન હતો ત્યારે આ પ્રકારની કોઇ ઘટના કે પછી બધા લોકો ચિંતા કરતા થઇ જાય તેવી કોઇ ઘટના બની નહોતી.
આ પણ વાંચો: Maharashtra Congressમાં ઉથલપાથલ: દિગ્ગજ નેતાને પાર્ટીમાંથી હટાવવાની માગણી
ચંદ્રકાંત પાટીલે વધુમાં જણાવ્યું હતું કે પુણેના પોર્શ કાંડ બાદ પુણેની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા થયા છે. છેલ્લા અમુક દિવસોથી કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ન પણ સામે આવ્યા છે. એફસી રોડ પરિસરમાં એક જાણીતી હોટેલમાં અમુક સગીર વયના યુવકો ડ્રગ્ઝનું સેવન કરતા હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ બધી ઘટનાના કારણે પુણેના પાલક પ્રધાન અને રાજ્યના ગૃહ પ્રધાનની ટીકા કરવામાં આવી રહી છે, એમ ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું.
જોકે તેના જવાબમાં હવે અજિત પવાર જૂથની એનસીપીના નેતા અમોલ મિટકરીએ પણ એક નિવદન આપ્યું છે. સોશિયલ મીડિયો પ્લેટફોર્મ એક્સ પર તેમણે એક પોસ્ટ કરતા લખ્યું હતું કે ચંદ્રકાંત દાદા પાટીલ જ્યારે પાલક પ્રધાન હતા ત્યારે ડ્રગ્ઝની કોઇ ઘટના સામે આવી નહોતી અને ન જ આવે કારણ કે તેમના આશીર્વાદથી બધુ સારી રીતે ચાલતું હતું. અજિતદાદા પાલક પ્રધાન બન્યા છે ત્યારથી આ બધી ઘટનાઓ સામે આવી છે અને તેના કારણે ચંદ્રકાંતદાદા વ્યથિત છે. એટલે કે મહાયુતિના આ બંને પક્ષ એક મુદ્દે સામેસામે આવી ગયા છે અને બંને વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું હોય તેવું જણાય છે. વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે મહાયુતિના નેતાઓ એકબીજા વિરુદ્ધ આ પ્રકારે જાહેરમાં નિવેદન આપી રહ્યા છે તેનાથી રાજકીય ચર્ચા પણ શરૂ થઇ છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ભાજપને ચૂંટણી પહેલા ઝટકોઃ Suryakanta Patil શરદ પવારના કેમ્પમાં
ઉલ્લેખનીય છે કે ચંદ્રકાંત પાટીલે આપેલા નિવેદન બાદ તેમણે ભીનું સંકેલતા કહ્યું હતું કે પહેલા પુણેની લોકસંખ્યા 14 લાખ હતી અને હવે તે 70 લાખ છે. ઉદ્યોગ, શિક્ષણ, નોકરીના કારણે પુણેમાં લોકોની વસતિ વધી છે. તેથી આ પ્રકારની ઘટના ન બને તે માટે પોલીસ અને પ્રશાસને કડક પગલા લેવા જોઇએ અને ધાક બેસાડવી જોઇએ.
છેલ્લા અમુક દિવસોમાં પુણેમાં ડ્રગ્ઝના સેવન સહિતની ઘટનાઓ સામે આવી છે અને એક વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો જેને પગલે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાઓએ સરકારની ટીકા કરી હતી અને આ માટે રાજ્ય સરકારના પ્રધાનોને જવાબદાર ઠેરવ્યા હતા. જેનો જવાબ આપતા ચંદ્રકાંત પાટીલે આ પ્રકારની ઘટના માટે રાજ્ય સરકારના પ્રધાનોને જવાબદાર ઠેરવી શકાય નહીં, તેમ જણાવી બચાવ કર્યો હતો