આમચી મુંબઈમહારાષ્ટ્ર

ભાજપ રાજ ઠાકરેના પુત્રને સમર્થન આપશે: ફડણવીસ

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું કે ભાજપ હજુ પણ માહિમ વિધાનસભા બેઠક પર એમએનએસના વડા રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને સમર્થન આપવા માંગે છે, આ બેઠક પરથી સત્તાધારી શિવસેનાનો ઉમેદવાર ઊભો રાખવામાં આવ્યો છે. આનો ઉકેલ શોધવાના પ્રયાસો કરવામાં આવશે, એમ ફડણવીસે પત્રકારોને જણાવ્યું હતું.

ભાજપના વરિષ્ઠ નેતાએ એમ પણ કહ્યું હતું કે, તેમની પાર્ટી તેમના મોટાભાગના બળવાખોરોને ઉમેદવારી પાછી ખેંચવા માટે મનાવવાનો પ્રયાસ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આમ છતાં 20 નવેમ્બરે રાજ્યમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં કેટલીક બેઠકો પર મહાયુતિના ઘટકપક્ષો વચ્ચે મૈત્રીપૂર્ણ લડાઈ થશે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાએ માહિમથી વર્તમાન વિધાનસભ્ય સદા સરવણકરને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે મહેશ સાવંત મુંબઈની બેઠક પરથી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી)ના ઉમેદવાર છે.

રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) એ મહાયુતિનો ભાગ નથી, જેમાં ભાજપ, શિવસેના અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની એનસીપીનો સમાવેશ થાય છે, પરંતુ આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં રાજ ઠાકરેએ શાસક મહાયુતિને ટેકો આપ્યો હતો.

આપણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસે મહાવિકાસ આઘાડીને ફેંક્યો પડકાર, તો જાહેર કરો…

ફડણવીસે જણાવ્યું હતું કે, માહિમ વિધાનસભા મતવિસ્તારમાં મનસેના ઉમેદવાર અમિત ઠાકરેને ટેકો આપવા પર ભાજપ અને મુખ્ય પ્રધાન શિંદેની સહમતિ છે.

જોકે, શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના નેતાઓએ દલીલ કરી હતી કે જો પક્ષ ચૂંટણી નહીં લડે, તો તેના સમર્પિત મતદારો ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) તરફ વળશે. ભાજપ અમિતને ટેકો આપવા તૈયાર છે અને હજુ પણ તેના સ્ટેન્ડ પર મક્કમ છે એમ ફડણવીસે કહ્યું હતું.

આ કોયડાના ઉકેલ વિશે પૂછવામાં આવતાં ફડણવીસે કહ્યું, ‘જ્યારે અમે (મહાયુતિના નેતાઓ) મળીશું, ત્યારે અમે આ મુદ્દે ચર્ચા કરીશું અને ઉકેલ શોધવાનો પ્રયાસ કરીશું.’ માહિમમાં અવિભાજિત શિવસેના (1966) અને પછી મનસેનો જન્મ થયોે છે, જે 2006માં અસ્તિત્વમાં આવી હતી જ્યારે રાજ ઠાકરેએ પોતાનો સ્વતંત્ર રાજકીય માર્ગ નક્કી કર્યો હતો.

ફડણવીસે એમ પણ કહ્યું હતું કે, રાજ્યમાં દરેક મુખ્ય રાજકીય પક્ષ વિધાનસભાની ચૂંટણીમાં બળવાખોરોના પડકારોનો સામનો કરી રહ્યો છે.

ફડણવીસે જણાવ્યું હતું કે, ભાજપ તેના મોટાભાગના બળવાખોરોને તેમની ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે સમજાવવાનો પ્રયાસ કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button