ભાજપે આ કારણસર સ્ટાર પ્રચારકોની યાદીમાંથી એકનાથ શિંદે અને અજિત પવારનું નામ હટાવ્યું
મુંબઈ: લોકસભા ચૂંટણી (loksabha election 2024)માં બધા રાજકીય પક્ષોના ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ ગઈ છે. મોટા નેતાઓ તેમની પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી પ્રચારના કાર્યક્રમમાં સ્ટાર પ્રચારક તરીકે જોડાય છે. જોકે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે યુતિ કરનાર શિવસેના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને એનસીપીના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું નામ ભાજપે તેમના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી કાઢી નાખ્યું છે. તો શું છે આ પાછળનું કારણ ચાલો જાણીએ?
ચૂંટણી પંચ દ્વારા રાજકીય પક્ષોને બીજા પક્ષના નેતાઓના નામ તેમના પ્રચારકોની યાદીમાં સામેલ નહીં કરવાનો આદેશ આપતો પત્ર લખવામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી હેઠળ ભાજપે તેમના 40 સ્ટાર પ્રચારકોનો યાદી ચૂંટણી પંચને મોકલી હતો. આ આ યાદીમાં એકનાથ શિંદે અને અજિત પવારનું નામ પણ હતું. ભાજપની આ યાદી અંગે ચૂંટણી પંચને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં લખ્યું હતું કે ‘આ યાદી મહારાષ્ટ્ર રાજ્ય માટે ચોથા અને પાંચમા તબક્કામાં થનારી ચૂંટણી માટે માન્ય ગણી શકાય, જ્યાં સુધી નક્કી કરવામાં આવેલા સમયમાં સુધારા કરેલી યાદી મોકલવામાં નહીં આવે.
ALSO READ : મહારાષ્ટ્રમાં 45 બેઠક જીતવાનું છે અમારો લક્ષ્યાંકઃ એકનાથ શિંદે
ભાજપની ચૂંટણી પ્રચારકોની યાદીમાં એનસીપી અને શિવસેનાના નેતાનું નામ સામેલ કરવામાં આવ્યું છે જેને લઈને શરદ પવાર જૂથે ચૂંટણી પંચ સમક્ષ આ અંગે ફરિયાદ કરી હતી. શરદ પવાર જૂથે કહ્યું હતું કે ભાજપ, શિવસેના અને એનસીપીએ એકબીજાના પક્ષના નેતાઓના નામ તેમની પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કર્યા છે. જે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77નો ઉલ્લંઘન છે.
શરદ પવાર જૂથની ફરિયાદ બાદ ચૂંટણી પંચે ભાજપને પત્ર લખીને બીજા પક્ષોના નેતાઓના નામને તેમની યાદીમાંથી હટાવવાનો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે શિવસેના અને એનસીપીએ પણ ભાજપના નરેન્દ્ર મોદી, અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસનું નામ તેમના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કર્યા હતા.