આમચી મુંબઈમહારાષ્ટ્ર

હવે વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટઃ ભુજબળના નિવેદનથી ભાજપ-શિવસેના નારાજ?

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબર મહિનામાં યોજાવાની શક્યતા છે ત્યારે અત્યારથી જ રાજકીય પક્ષો દ્વારા તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. બેઠકોની વહેંચણી માટે બેઠકોનો દોર પણ શરૂ થઇ ગયો છે ત્યારે અજિત પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના નેતા છગન ભુજબળના નિવેદનના કારણે વિવાદ ઊભો થયો છે.

છગન ભુજબળે એનસીપી વિધાનસભાની ચૂંટણીમાં 90 બેઠક પરથી ચૂંટણી લડવાની માગણી કરતું નિવેદન આપતા ભાજપ અને શિવસેના(એકનાથ શિંદે) નારાજ થયા હોવાના અહેવાલ છે. એટલે કે મહાયુતિમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રિસામણા-મનામણાનો સિલસિલો શરૂ થઇ ગયો હોય તેવું જણાય છે.

સોમવારે અજિત પવાર જૂથની બેઠક દરમિયાન છગન ભુજબળે 90 બેઠકોની માગણી કરી હતી. જેને પગલે હવે એનસીપીના સાથી પક્ષ શિવસેના(એકનાથ શિંદે) અને ભાજપના નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

આ પણ વાંચો: વિપક્ષ બીડમાં ચૂંટણી જંગ બે સમુદાયો વચ્ચેની લડાઈ જેવી કરવા માગે છે: પંકજા મુંડે

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભુજબળના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે બેઠકોની વહેંચણી અંગે મહાયુતિના ત્રણેય પક્ષના નેતા મળીને બેઠક યોજશે અને તેમાં યોગ્ય ફોર્મ્યુલા નક્કી કરીને ફેંસલો લેશે. ભાજપ સૌથી મોટો પક્ષ હોવાના કારણે તેને સૌથી વધુ બેઠકો મળશે. જોકે અન્ય બંને પક્ષને પણ સંપૂર્ણ સન્માન અપાશે.

ભાજપ નેતા સુધીર મુનગંટીવારે ભુજબળના નિવેદન અંગે વાત કરતા જણાવ્યું હતું કે બેઠકોની વહેંચણીની બાબત હોય કે માગણી તે ચેનલના માધ્યમે ન થાય. આમ કરવાથી સમસ્યા ઊભી થાય છે. એ માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, જે.પી.નડ્ડા, દેવેન્દ્ર ફડણવીસ વગેરે સાથે ચર્ચા કરવી જોઇએ. કોઇએ ખોટો ભ્રમ ઊભો ન કરવો જોઇએ.

એકનાથ શિંદે જૂથની શિવસેનાના પ્રવક્તા સંજય શિરસાટે જણાવ્યું હતું કે મહાયુતિની શરતો શું છે તેના પર નજર નાંખવી જોઇએ. શું તમારે યુતિ નથી કરવી? બેઠકો મામલે પક્ષના મોટા નેતાઓ બેસીને નિર્ણય લેશે. ભુજબળના આ પ્રકારના નિવેદનનો અર્થ થયો કે તે પહેલાથી જ મહાયુતિમાં તિરાડ પાડવા માગે છે. હજી ચૂંટણીને ચાર મહિનાનો સમય બાકી છે. સાથે ચૂંટણી જીતવી છે તો એકબીજાને સમજીને આગળ વધવું પડશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button