ભાજપનું વિરોધ પ્રદર્શન: એમવીએ શિવાજીની પ્રતિમા તૂટી પડવાને મુદ્દે રાજકારણ કરતું હોવાનો આક્ષેપ

નાગપુર: સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના પતનના મુદ્દા પર કથિત રીતે રાજકારણ કરવા બદલ ભાજપે રવિવારે વિપક્ષી મહા વિકાસ આઘાડી વિરુદ્ધ સમગ્ર મહારાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા.
માલવણ તાલુકાના રાજકોટ કિલ્લામાં 17મી સદીના મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા 26 ઓગસ્ટના રોજ તૂટી પડી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચાર ડિસેમ્બર, 2023ના રોજ નૌકાદળ દિવસના અવસરે તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત બાવનકુલેએ અહીં એક વિરોધ પ્રદર્શનમાં સહભાગી થતાં કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પતન અંગે છત્રપતિ શિવાજી મહારાજ તેમજ તેમનાં અનુયાયીઓની માફી માંગી છે. તેમની માફી છતાં એમવીએ વોટ બેંકની રાજનીતિ માટે આ મુદ્દે રાજકારણ કરી રહ્યું છે. એમવીએ વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે, એમ બાવનકુલેએ જણાવ્યું હતું.
ભાજપના કાર્યકરોએ નાગપુર, છત્રપતિ સંભાજીનગર અને રાજ્યના અન્ય ભાગોમાં એમવીએને નિશાન બનાવીને વિરોધ પ્રદર્શન કર્યા હતા. આ અગાઉ શિવસેના (યુબીટી), એનસીપી (એસપી) અને કોંગ્રેસની બનેલી મહા વિકાસ આઘાડી દ્વારા પ્રતિકાત્મક હુતાત્મા ચોકથી દક્ષિણ મુંબઈના ગેટવે ઑફ ઈન્ડિયા સુધી વિરોધ કૂચ યોજી હતી. એમવીએના નેતાઓએ પતન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોની ટીકા કરી હતી, ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન મોદીની માફીને અહંકારનો તમાચો ગણાવ્યો હતો, જ્યારે શરદ પવારે કહ્યું હતું કે આ એપિસોડ ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ છે. (પીટીઆઈ)