ભાજપ-એનસીપીના નેતાઓ 2019માં શિંદે સીએમ તરીકે ઈચ્છતા નહોતાઃ રાઉતનો દાવો
મુંબઈઃ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ-યુબીટી) નેતા સંજય રાઉતે રવિવારે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં વર્તમાન મહાયુતિ સરકારનો ભાગ બનેલા એનસીપી અને ભાજપના નેતાઓ, ૨૦૧૯માં એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન તરીકે ઈચ્છતા નહોતા. ભાજપ-શિવસેના યુતિ માટે દેવેન્દ્ર ફડણવીસ, ગિરીશ મહાજન અને સુધીર મુનગંટીવાર જેવા નેતાઓ ત્યારે સેનાને કહ્યું કે તેઓ શિંદેને સીએમ તરીકે પસંદ કરશે નહીં.
પત્રકારો સાથે વાત કરતા રાઉતે એવો પણ દાવો કર્યો હતો કે ત્યાર પછી મહા વિકાસ અઘાડી (એમવીએ)ની યુતિની ચર્ચા દરમિયાન અજિત પવાર, દિલીપ વળસે પાટીલ અને સુનિલ તટકરે જેવા એનસીપી નેતાઓએ પણ મુખ્ય પ્રધાન પદ માટે શિંદેના નામનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ તેમના જેવા જુનિયર અને બિનઅનુભવી વ્યક્તિ હેઠળ કામ કરશે નહીં.
તેમની પાસે ઘણા વરિષ્ઠ નેતાઓ છે અને ગઠબંધનનો નેતા અનુભવી, વરિષ્ઠ અને દરેકને સાથે લઈ ચાલે એવો હોવો જોઈએ. ત્યારબાદ એનસીપી (એસપી)ના વડા શરદ પવાર અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લાગ્યું કે એમવીએએ એવા નેતાની પસંદગી કરવી જોઈએ જેને ત્રણેય પક્ષોનું સમર્થન હોય. રાઉતે દાવો કર્યો હતો કે, શિંદેનું નામ પહેલેથી જ શિવસેના ધારાસભ્ય દળના નેતા તરીકે રાખવામાં આવ્યું હતું. અજિત પવાર અને ફડણવીસ હાલમાં સીએમ શિંદેની આગેવાની હેઠળની રાજ્ય સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન છે.