‘જો લાડકી બહીન સ્કીમની લાભાર્થી મહિલાઓ MVA રેલીમાં દેખાય તો…’, ભાજપ સાંસદના નિવેદનથી વિવાદ
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને પગલે રાજકીય પક્ષોના નેતાઓ જાહેર સભાઓ (Maharashtra assembly election) સંબોધવામાં વ્યસ્ત છે, આ દરમિયાન ઘણા નેતાઓ વિવાદિત નિવેદનો આપી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ ધનંજય મહાડિકે (Dhananjay Mahadik) એક જાહેર સભામાં આપેલું નિવેદન વિવાદનું કેન્દ્ર બન્યું છે. ધનંજય મહાડિકે કહ્યું હતું કે લાડકી બહિન યોજનામાંથી પૈસા લેતી મહિલાઓ મહાવિકાસ આઘાડીની રેલીઓમાં જોવા મળે તો તેમના ફોટા લઈને અમને આપો, અમે તેમની વ્યવસ્થા કરીશું. વિપક્ષે તેમના નિવેદનને વખોડી કાઢ્યું છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના સુપ્રિયા સુલેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું, ‘ભાજપ નેતા સાંસદ ધનંજય મહાડિકનું મહિલાઓ વિશેનું નિવેદન અત્યંત અપમાનજનક છે. મહિલા સશક્તિકરણની આ પદ્ધતિ ભાજપની લોકશાહી વ્યવસ્થા પ્રત્યેની વિચારસરણી સાબિત કરવા માટે પૂરતી છે. ભાજપના નેતાનું આ નિવેદન લોકશાહી અને બંધારણની વિરુદ્ધ છે. તેમનો પ્રશ્ન એ છે કે કયા પક્ષની રેલીમાં નાગરિકોએ ભાગ લેવો જોઈએ? આ માટે કોઈ કોઈને દબાણ કરી શકે નહીં. ચૂંટણી પંચે આ નિવેદનને ગંભીરતાથી લેવું જોઈએ.’
કોંગ્રેસના વિધાનસભ્ય સતેજ પાટીલે ભાજપના નેતાના નિવેદનની આકરી નિંદા કરી હતી. તેમણે કહ્યું કે ધનંજય મહાડિક મહિલાઓ વિરુદ્ધ તેમની અપમાનજનક ટિપ્પણીઓ માટે જાણીતા છે. ગત પેટાચૂંટણીમાં તેમણે વિધાનસભ્ય જયશ્રી જાધવનું અપમાન કર્યું હતું. હવે તેઓ નીચલા સ્તરે આવી ગયા છે અને ધમકીભરી ભાષાનો ઉપયોગ કરે છે.
પાટીલે ભાજપને પૂછ્યું, ‘શું મહિલા યોજના માત્ર ભાજપની મહિલાઓ માટે છે? કે આ મહારાષ્ટ્રની તમામ મહિલાઓ માટે છે?’
Also Read – Maharashtra Election 2024: વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ ઠાકરે લગાવ્યો શરદ…
સતેજ પાટીલના મતે ધનંજય મહાડિકનું આ નિવેદન મહિલાઓની સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો.
ધનંજય મહાડિકે આ નિવેદન અંગે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે લાડકી બહીન સ્કીમ મહારાષ્ટ્રમાં ખૂબ જ લોકપ્રિય છે. 2 કરોડ 30 લાખ મહિલાઓને આનો લાભ મળ્યો છે. મારો કહેવાનો મતલબ એ હતો કે જો કેટલીક મહિલાઓ કોંગ્રેસ સાથે જશે તો તેમને તેનો લાભ નહીં મળે. અમે ઈચ્છીએ છીએ કે તેઓના નામ અને ફોટોગ્રાફ લેવામાં આવે જેથી તેમને પણ લાભ મળી શકે. કોંગ્રેસે મારા નિવેદનને તોડીમરોડીને રજુ કર્યું છે.