ટિકિટ ન મળતા ભાજપના આ સાંસદ નારાજ, ઠાકરે જૂથમાં સામેલ થવાની ચર્ચા
મુંબઈ: લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં ઉમેદવારોની અદલાબદલી અને બેઠકની વહેંચણીને લઈને રાજકીય માહોલમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા અનેક સમયથી વિરોધી પક્ષના નેતાઓ મહાયુતિ ગઠબંધન (ભાજપ, શિવસેના શિંદે જૂથ, એનસીપી અજિત પવાર જૂથ)માં પ્રવેશ કરી રહ્યા છે, તો બીજી તરફ મહાયુતિમાંથી નારાજ થયેલા નેતાઓ મહાવિકાસ આઘાડી (શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ, એનસીપી શરદ પવાર જૂથ, કૉંગ્રેસમાં જોડાવાની ચર્ચા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી અથવા ટિકિટ મળે તે માટે નેતાઓ પક્ષ બદલો કરી રહ્યા છે, અને હવે ભાજપના એક મોટા સાંસદ ઠાકરે જૂથમાં પ્રવેશ કરશે, એવા સમાચારથી ફરી એક વખત રાજકારણ ગરમાવાનું શરૂ થયું છે.
મહાયુતિ ગઠબંધન દ્વારા આગામી ચૂંટણીમાં 400 કરતાં વધુ બેઠક જીતવા માટે પ્રચારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, પણ મહાયુતિ વચ્ચે સીટોની વહેંચણીને લઈને હજુ સુધી કોઈ પણ નિવારણ આવ્યું નથી. આવી પરિસ્થિતિમાં જળગાવ ભાજપના વર્તમાન સાંસદ ઉન્મેષ પાટીલ ઉદ્ધવ ઠાકરે જૂથમાં પ્રવેશ કરીને શિવબંધન બાંધશે એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે. ઉન્મેષ પાટીલનું લોકસભા ચૂંટણીમાં પત્તું કપાતા ભાજપ દ્વારા જળગાવની બેઠક પર સ્મિતા વાધને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જેથી ઉન્મેષ પાટીલ આ સીટ પરથી ચૂંટણી લડવા માટે ઠાકરે જૂથમાં પ્રવેશ કરી શકે છે, એવી માહિતી સૂત્રોએ આપી હતી.
ઉન્મેષ પાટીલના ઉદ્ધવ જૂથમાં પ્રવેશ બાબતે ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે ઉન્મેષ પાટીલ ભાજપથી નારાજ હોઈ શકે છે અને તેમણે અમને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઉન્મેષ પાટીલ શિવસેનામાં જોડાશે કે નહીં તે બાબતે હજી સુધી કોઈ પણ માહિતી મારી પાસે નથી.
એક અહેવાલ મુજબ ભાજપના ઉન્મેષ પાટીલ સાથે નાશિકથી શિંદે જૂથના સાંસદ હેમંત ગોડસેને પણ ટિકિટ ન મળતા તેઓ તેમના પક્ષથી નારાજ હોવાની ચર્ચા છે. હેમંત ગોડસેને ઉમેદવારી આપવા માટે ભાજપ અને અજિત પવાર જૂથે વિરોધ કર્યો હતો, જેથી હેમંત ગોડસે પણ પક્ષ પલટો કરશે એવી ચર્ચા શરૂ થઈ છે. માત્ર સંજય રાઉતે આ બાબતે કહ્યું હતું કે ગદ્દારો માટે અમારા પક્ષના દરવાજા હંમેશા માટે બંધ રહેશે.
રાઉતે કહ્યું હતું કે સાંસદ ગોડસે શિંદે જૂથમાં હતા તો પણ અમે તેમને ચૂંટીને લાવ્યા હતા, પણ હવે તેઓ કેટલી પણ અરજી કરે કે અમારા પક્ષનો દરવાજો ખખડાવે તો પણ તેમની માટે પક્ષનો દરવાજો બંધ જ રહેશે. અમે નિષ્ઠાવાન, પ્રામાણિક, સ્વાભિમાની લોકો અને શિવસૈનિકોને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સાથે લાવ્યા છે, પણ ગદ્દારોને સામેલ કરવાથી નિષ્ઠાવાન લોકોનું અપમાન થશે, એવું રાઉતે કહ્યું હતું.