મહારાષ્ટ્રમાં ચૂંટણીની હવાનો અંદાજ લેવામાં ભાજપ મોવડીમંડળ નિષ્ફળ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં આગામી થોડા દિવસોમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગશે. આ તરફ ત્રણ અને પેલી તરફ ત્રણ પક્ષોના ગઠબંધન વચ્ચે લડાઈ થશે કે મહાયુતિ અને એમવીએમાં ભંગાણ પડશે તે હદે અનિશ્ર્ચિતતા છે. મહાયુતિમાં અજિત પવાર અનિચ્છનીય વલણ અપનાવે એવો પવન ફૂંકાઈ રહ્યો છે. દરમિયાન બેઠકોની ફાળવણી પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
બીજી તરફ ભાજપે અત્યાર સુધી જાહેરમાં જે નિવેદનો કર્યા છે તેના પરથી મહારાષ્ટ્રની ચૂંટણીમાં ખાસ રસ નથી તેવા સંકેતો મળી રહ્યા છે. વાસ્તવમાં રાજ્યમાં કેવું વાતાવરણ છે? કેટલી બેઠકો પર લડવું છે? અજિત પવારને સાથે લેવામાં આવે તો લોકસભાની જેમ ફટકો પડશે કે કેમ? એવા અનેક સવાલો ભાજપના નેતાઓને સતાવી રહ્યા છે.
જેના કારણે મહારાષ્ટ્રમાંથી શું ફીડબેક આવે છે તે ભાજપ દ્વારા વારંવાર ચેક કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ભાજપ ઘણા નેતાઓને દિલ્હીથી મહારાષ્ટ્ર મોકલી રહ્યું છે. આટલી કવાયત બાદ પણ મહારાષ્ટ્રમાં ફરી સરકાર બની શકે છે કે નહીં તે નિશ્ર્ચિત ન હોવાથી ભાજપ અત્યારે કોઈ જોખમ લેવા તૈયાર નથી.
આપણ વાંચો: મહારાષ્ટ્રમાં નવેમ્બરના બીજા અઠવાડિયામાં ચૂંટણી થવાની સંભાવના: CM Eknath Shinde
આ કારણે ભાજપ અન્ય રાજ્યોના નેતાઓ અને કેન્દ્રીય પ્રધાનોને મહારાષ્ટ્ર મોકલી રહી છે. વિવિધ રાજ્યોના ભાજપના નેતાઓ તેમજ મહારાષ્ટ્રના નેતાઓને વિવિધ વિધાનસભા ક્ષેત્રોની જવાબદારી સોંપવામાં આવી હતી.
તેમને આ સ્થળોના પ્રવાસ પર પણ મોકલવામાં આવ્યા હતા. આ નેતાઓએ દિલ્હીમાં એક બેઠકમાં તેમણે મેળવેલી માહિતી સ્પષ્ટ કરી હતી. લોકસભાની ચૂંટણી બાદ એલર્ટ થયેલી ભાજપ છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યમાંથી વારંવાર માહિતી માગી રહી છે. ઉત્તર પ્રદેશ, ગુજરાતના નેતાઓને મોકલવામાં આવી રહ્યા છે.
આ મુજબ ભાજપ સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવા જઈ રહી છે. તેમજ આગળની રણનીતિ પણ નક્કી કરવામાં આવશે. ઉમેદવાર કોણ હશે તે પણ નક્કી થશે. શિવસેના અને એનસીપીની સાથે સાથે, લોકસભામાં મદદ અને સમર્થન કરનારા નાના પક્ષો પણ સીટો આપવા માંગે છે.
જેના કારણે સીટ ફાળવણીની ફોર્મ્યુલા મહાયુતિમાં તોફાન સર્જે તેવી શક્યતા છે અને આ ભાજપ માટે પડકારરૂપ બની રહેવાની શક્યતા જોવાઈ રહી છે. આ બધાને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં કેવા પ્રકારની રાજકીય ઉથલપાથલ જોવા મળે છે તેના પર રાજકીય નિરીક્ષકો મીટ માંડીને બેઠા છે.