ભાજપના પ્રધાન ગણેશ નાઈકનો શિંદેના ગઢમાં જનતા દરબાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપના નેતા અને વન ખાતાના પ્રધાન ગણેશ નાઈકે સોમવારે નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના નેતા એકનાથ શિંદેના ગઢ થાણેમાં જનતા દરબારનું આયોજન કર્યું હતું. તેમણે મહાયુતિમાં ચડસાચડસીની અટકળોને ફગાવી દીધી હતી.
નાઈકે જોકે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે રાજકારણમાં કોઈ કાયમી પ્રભૂત્વ ધરાવતું નથી. નેતૃત્વ સમયની આવશ્યકતા અને લોકોની સ્વીકાર્યતા સાથે બદલાય છે.
આ પણ વાંચો: થાણેમાં એકમાત્ર કમળ! ગણેશ નાઈકની જાહેરાતથી શિવસેનામાં અસ્વસ્થતા…
તેમણે કહ્યું હતું કે, થાણેમાં આવતા મહિને આગામી જનતા દરબાર યોજાશે. છેલ્લા કેટલાક દિવસથી ભાજપ અને શિવસેના વચ્ચે સંબંધોમાં તણાવની ચર્ચાઓ ચાલી રહી હતી. ભાજપના નેતા સંજય વાઘુલેએ કહ્યું હતું કે જનતા દરબારના સ્થળે સવારે આઠ વાગ્યે ચારસોથી વધુ ટોકન આપવામાં આવ્યા હતા.
પાડોશી નવી મુંબઈના વિધાનસભ્ય ગણેશ નાઈકે રાજકીય સ્પર્ધાની અટકળોને રદિયો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે જનતા દરબાર આયોજિત કરવાનો હેતુ નાગરિકોની સમસ્યા તેમને મંત્રાલય સુધી લાંબા થયા વગર ઉકેલવાનો હોય છે.
આ પણ વાંચો: નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ ડીબી પાટીલ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવારના નેતૃત્વ હેઠળની મહાયુતિની સરકાર ફડણવીસના નેતૃત્વ હેઠળ વિકાસ માટે સમર્પિત છે અને ઘટકપક્ષો વચ્ચે કોઈ ચડસાચડસી કે સ્પર્ધા નથી.
નાઈકે કહ્યું હતું કે ભાજપને પણ મતદારોએ થાણેમાં ટેકો આપ્યો હતો. રાજકારણમાં ચડતી અને પડતી આવ્યા કરતી હોય છે, મહત્ત્વનું એ છે કે જનતામાં રહેલી છબી અને લોકોની સ્વીકાર્યતા, એમ તેમણે કહ્યું હતું.