નવરાત્રીના પહેલા દિવસે શરદ પવારનો ધડાકોઃ એનસીપીમાં ભાજપના દિગ્ગજ નેતા જોડાશે…?

મુંબઈ: વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ નેતાઓ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાના શરૂ થઇ ગયા છે અને પક્ષપલટાના આ દોરમાં વધુ એક નામનો ઉમેરો થયો છે. જોકે, મહારાષ્ટ્રના જે નેતાએ પક્ષપલટો કર્યો છે તે મોટા કદના છે અને તેના કારણે ભાજપને મોટો ફટકો પડે તેવી શક્યતા છે.
પુણે જિલ્લાના ભૂતપૂર્વ પ્રધાને ભાજપ છોડીને એનસીપી(શરદચંદ્ર પવાર જૂથ)નો હાથ પકડ્યો છે. ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય હર્ષવર્ધન પાટીલ અને તેમના કાર્યકર્તાઓએ હવે પોતાના સોશિયલ મીડિયા પરના સ્ટેટસમાં તુતારી(રણશિંગૂ-શરદ પવારના પક્ષનું ચિહ્ન) મૂકવાનું શરૂ કરી દીધું છે. ફક્ત એટલું જ નહીં, ગુરુવારે પાટીલ અને શરદ પવારની મુલાકાત થયા બાદ આ ચર્ચાએ વધુ જોર પકડ્યું છે.
હર્ષવર્ધન પાટીલના દીકરા રાજવર્ધન પાટીલે પણ પોતાના સ્ટેટસમાં આ ચિહ્ન મૂક્તા તે ભાજપ છોડીને શરદ પવાર જૂથમાં સામેલ થવાના હોવાના સંકેત છે. પાટીલ પવારને તેમના નિવાસસ્થાન ‘સિલ્વર ઑક’માં મળ્યા હતા અને ત્યાર પછી તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે પવારે મને તેમના પક્ષમાં જોડાઇને વિધાનસભાની ચૂંટણી લડવા જણઆવ્યું હતું. તેમણે મને કહ્યું કે તે મને ચૂંટાઇ લાવશે.
આ પણ વાંચો : ફરી સ્થાપિત થશે મહારાષ્ટ્રમાં પવાર ‘પાવર’: જાણો,પૂણેમાં કેવી રીતે થશે ‘ખેલ’ ?
આ બાબતે ભાજપના પ્રધાન ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે જો હર્ષવર્ધન પાટીલ શરદ પવાર સાથે હાથ મિલાવશે તો એ નિર્ણય બદલ તેમને પછીથી પસ્તાવો થશે. જ્યારે અમે ચૂંટણી જીતીશું અને તે અમારી પાસે પાછા આવશે ત્યારે અમારું નેતૃત્વ તેમને પાછા લેવા કે નહીં એ વિશે નિર્ણય લેશે.
ઉલ્લેખનીય છે કે હર્ષવર્ધન પાટીલે ઇંદાપુર બેઠક પરથી ચાર વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાઇ આવેલા છે અને તે ફરીથી આ જ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ઇચ્છુક છે. જોકે, આ બેઠક ભાજપના સાથી પક્ષ એનસીપી(અજિત પવાર જૂથ)ને મળે અને તે ચૂંટણીમાં હાલના વિધાનસભ્ય દત્તાત્રેય ભારણેને ચૂંટણીમાં ઉતારે તેવી શક્યતા છે.