ભાજપના આ નેતાએ અજિત પવારને મહાયુતિમાંથી બહાર કાઢવા કહ્યું અને પછી…

મુંબઈઃ પુણેના શિરુર ખાતેના ભાજપના એક નેતા દ્વારા મહાયુતિના ઘટક પક્ષ એવા એનસીપી(અજિત પવાર જૂથ)ના વડા અજિત પવાર વિરુદ્ધ નિવેદન આપવામાં આવતા મહાયુતિમાં ઘર્ષણ ચાલી રહ્યું હોવાનું જણાય છે. ભાજપના શિરુર તહેસીલના ઉપાધ્યક્ષ સુદર્શન ચૌધરી એક વીડિયોમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને મહાયુતિમાંથી કાઢી નાંખવા જોઇએ તેવું કહેતા દેખાય છે.
હાલમાં જ યોજવામાં આવેલા ભાજપની બેઠકમાં ચૌધરી આવી માગણી કરતા દેખાતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોને પગલે રોષે ભરાયેલા એનસીપીના કાર્યકરોએ ગુરુવારે ચૌધરીનો ઘેરો ઘાલ્યો હતો અને તેને માફી માગવા જણાવ્યું હતું.
આ પણ વાંચો : BJP Vs NCP: પુણેના અકસ્માત મુદ્દે ભાજપ અને અજિત પવારની પાર્ટી સામસામે
વીડિયોમાં ચૌધરી કહે છે કે આ મારો મત છે કે પક્ષના કાર્યકરો જે વિચારી રહ્યા છે તે તમે સાંભળો. જો તમારે ખરેખર નિર્ણય લેવો હોય તો તમારે મહાયુતિમાંથી અજિત પવારને કાઢી નાંખવા જોઇએ. વીડિયોમાં ચૌધરી ભાજપના નેતા સુભાષ દેશમુખ, રાહુલ કુલકર્ણી અને યોગેશ તિલેકરને અજિત પવારને હટાવીને રાજ્ય સરકાર સંચાલિત સંસ્થાઓના વડા બનાવી શકાય તેવું કહેતા પણ દેખાય છે. ભાજપ છેલ્લા દસ વર્ષથી પવારનો વિરોધ કરતી આવી છે પરંતુ હવે તે નાયબ મુખ્ય પ્રધાન બની ગયા હોવાથી ભાજપના કાર્યકર્તાઓ ભયમાં હોવાનું પણ ચૌધરી કહે છે. તહેસીલના બધા જ કાર્યકર્તાઓ આવું ઇચ્છતા હોવાનું ચૌધરીએ જણાવ્યું હતું.