લાતુર સહિત પુણેમાં અજીત પવાર ફોર્મમાં: ૧૭માંથી ૧૦ જગ્યા પર પક્ષના નગરાધ્યક્ષના ઉમેદવાર વિજયી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યભરમાં થયેલી નગરપરિષદ અને નગરપંચાયતની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ તરીકે ઊભરી આવ્યો છે. તો બીજી તરફ પુણે જિલ્લામાં માત્ર અજીત પવારનો રાષ્ટ્રવાદી કૉંગ્રેસ મોટો ભાઈ તરીકે ઊભરી આવ્યો છે. અજીત પવારે પોતાના બાળકિલ્લામાં ફરી પોતાની તાકાત બતાવી દીધી છે.
૧૭માંથી કુલ ૧૦ ઠેકાણે અજીત પવારના નગરાધ્યક્ષ પદના ઉમેદવાર ચૂંટાઈ આવ્યા છે. એ સિવાય લાતુર જિલ્લાના ઔસા નગરપરિષદમાં પણ તેમના પક્ષે ભવ્ય વિજય મેળવ્યો હતો.પુણે જિલ્લામાં ૧૪ નગરપરષિદ અને ત્રણ નગરપંચાયતની ચૂંટણી થઈ હતી, તેમાંથી સાત ઠેકાણે અજીત પવારની રાષ્ટ્રવાદીએ જોરદાર પ્રદર્શન કર્યું હતું.

બારામતી, ઈંદાપૂર, ભોર સહિત કુલ ૧૦ નગરપરિષદ અને નગરપંચાયતના નગરાધ્યક્ષ પદ પર વિજય મેળવીને તેઓએ પોતાના મોટા ભાઈ તરીકે સિદ્ધ કર્યા હતા.લાતુર જિલ્લાના ઔસા નગરપરિષદમાં અજીત પવારની રાષ્ટ્રવાદીએ બાજી મારી હતી. ઔસા નગરપરિષદમાં ૨૩માંથી ૧૭ જગ્યાએ વિજય મેળવ્યો હતો. નગરાધ્યક્ષ પદ પણ તેમના પક્ષને મળ્યું હતું.
આ ઠેકાણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નજીકના મનાતા અભિમન્યુ પવારને મોટો ફટકો પડયો છે. અભિમન્યુ ફડણવીસના અંગત મદદનીશ હતા. ૨૦૧૯માં પહેલી વખત ફડણવીસે તેમને ઔસા વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપી હતી અને પહેલી વખત તેઓ અહીં ભાજપનો ઝંડો ફરકાવવામાં સફળ રહ્યા હતા પણ નગરપરિષદ અને પંચાયતની ચૂંટણીમાં તેઓ પોતાની ભરપૂર તાકાત લગાવ્યા બાદ પણ પક્ષને જીતાડી શકયા નહોતા.
આ પણ વાંચો…મંત્રીપદ ગયું અને વિધાનસભ્ય પદ પણ જોખમમાં છતા કોકાટે ગેમ કરી ગયા…



