આમચી મુંબઈ

ભાજપના સર્વેમાં ભાજપને ઝટકો…

મુંબઈના 70 ટકા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં એકનાથ શિંદે વધુ લોકપ્રિય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ મહાનગરપાલિકાની આવી રહેલી ચૂંટણી માટે ભાજપ દ્વારા કરાવવામાં આવેલા આંતરિક સર્વેમાં ભાજપને મોટો ઝટકો લાગે એવા તારણો આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ રિપોર્ટ મુજબ, મુંબઈના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં ભાજપ કરતાં એકનાથ શિંદે વધુ લોકપ્રિય છે.

ભાજપે મુંબઈના 18 વોર્ડનો સર્વે કર્યો છે જ્યાં 70 ટકા મુસ્લિમ સમુદાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો આ વિસ્તારોમાં શિંદે સેનાના ઉમેદવારો ઊભા રાખવામાં આવે તો તેમને ફાયદો થઈ શકે છે. એકનાથ શિંદેએ મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ કરેલી લાડકી બહેન યોજનાનો મુસ્લિમ મહિલાઓ પર ખાસ્સો પ્રભાવ જોવા મળી રહ્યો છે.

મુંબઈમાં, 18 બેઠકોમાં 50 ટકા કે તેનાથી વધુ અને 7 બેઠકોમાં 35 ટકા કે તેનાથી વધુ મુસ્લિમ વસ્તી છે. સર્વેમાં ખુલાસો થયો છે કે આ વિસ્તારોમાં એકનાથ શિંદેને ભાજપ કરતાં વધુ પસંદગી મળી રહી છે.જોકે, એકનાથ શિંદેએ આ સર્વે પર પુછવામાં આવતાં જણાવ્યું હતું કે, હાલમાં બેઠકો અંગે કોઈ ચર્ચા થઈ નથી. અમે જે યોજનાઓ લાવ્યા છે તેમાં અમે ક્યાંય ભેદભાવ કર્યો નથી. અમે વ્યાપક યોજનાઓ લાગુ કરી છે. વિકાસ કરતી વખતે પણ અમે કોઈ ભેદભાવ કર્યો નથી.

શિંદેએ કહ્યું હતું કે અમે લોક કલ્યાણકારી લાડકી બહેન યોજના લાવતી વખતે ક્યાંય ભેદભાવ કર્યો નથી.તેમણે કહ્યું હતું કે ભાજપ અને શિંદે સેના વચ્ચે કોઈપણ વિષય કે મુદ્દા પર મતભેદ નથી. અમે એકબીજા સાથે સંકલનમાં છીએ. યોગ્ય સમયે, 227માંથી કયા વોર્ડમાં કયા પક્ષનો ઉમેદવાર ઊભા રહેશે તે નિર્ણય સ્થાનિક ભાવના અને ત્યાંના લોકોની ઇચ્છા જોઈને લેવામાં આવશે.

બીજી તરફ મુંબઈ ભાજપના પ્રમુખ અમિત સાટમે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે મહાયુતિના ઉમેદવાર 227 વોર્ડમાં ચૂંટણી લડશે અને મહાયુતિના મેયર બનશે.

આ પણ વાંચો…‘લંકા તો અમે બાળીશું કેમ કે….’ ફડણવીસે એકનાથ શિંદેને આપ્યો જવાબ! મહાયુતિમાં તિરાડના અહેવાલ

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button