વિધાનસભામાં પાશવી બહુમત મળ્યા બાદ પણ ભાજપને મુંબઈમાં પરાજયનો ડર? | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

વિધાનસભામાં પાશવી બહુમત મળ્યા બાદ પણ ભાજપને મુંબઈમાં પરાજયનો ડર?

રાજ્યમાં સ્થાનિક સ્વાયત્ત સંસ્થાની ચૂંટણીઓ કરાવતી વખતે પહેલાં જિલ્લા પરિષદની ચૂંટણીઓ કરાવીને વાતાવરણનો તાગ મેળવવામાં આવશે: મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં પણ મુંબઈનો નંબર છેલ્લો આવશે: મુંબઈ જીતવા માટે પૂરી તાકાત ઝોંકવામાં આવશે

વિપુલ વૈદ્ય

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં જંગી બહુમતી મેળવીને સત્તામાં આવેલી મહાયુતિના મુખ્ય ઘટકપક્ષ ભાજપ અત્યારે મુંબઈને લઈને ભારે ચિંતામાં છે અને અહીં ફિયાસ્કો ન થાય તે માટે અત્યંત ફૂંકી ફૂંકીને પગલાં ભરી રહ્યો છે.

સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ નિર્દેશ પછી રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ કરાવવાની તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ મળતી માહિતી અનુસાર ભાજપ અત્યારે રાજ્યમાં ભાષા વિવાદ અને બંને ભાઈઓની સંભવિત એકતાની શક્યતાને ધ્યાનમાં રાખીને એશિયાની સૌથી શ્રીમંત મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોઈ જોખમ લેવા માગતું નથી. પહેલાં એવું કહેવાતું હતું કે રાજ્ય વિધાનસભામાં મળેલા જંગી વિજયને જોતાં સૌથી પહેલાં મુંબઈ મનપાની ચૂંટણીઓ ઓક્ટોબર-નવેમ્બરમાં કરાવવામાં આવશે, પરંતુ હવે સરકારના ઈશારે કાર્યક્રમમાં થયેલા ફેરફાર બાદ મુંબઈ મનપાની ચૂંટણીઓ ઠેઠ આગામી ફેબ્રુઆરી મહિના સુધી પાછી ઠેલાઈ જાય એવી શક્યતા છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ઉથલપાથલના સંકેત? ઉદ્ધવ ઠાકરે અને ભાજપના દરેકર વચ્ચે મૈત્રીપૂર્ણ વાતચીત, હાથ મિલાવવાની ઓફર

અત્યારે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓને ધ્યાનમાં લેતાં એવું લાગી રહ્યું છે કે સૌથી પહેલાં જિલ્લા પરિષદોની ચૂંટણીઓ કરાવવામાં આવશે અને ત્યારબાદ અન્ય કેટલીક અંતરિયાળ મહારાષ્ટ્રની મનપાની ચૂંટણી કરાવ્યા પછી મુંબઈ મનપાની ચૂંટણીનો નંબર આવશે. આ બધી પ્રક્રિયામાં ફેબ્રુઆરી મહિના સુધી ચૂંટણી પાછી ઠેલાઈ જવાની શક્યતા છે. રાજ્ય ચૂંટણી પંચના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અત્યારે પહેલાં જિલ્લા પરિષદની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. મુંબઈમાં મતદારયાદીઓ તૈયાર કરવાનું કામ જે જોરશોરથી ચાલુ કરવામાં આવ્યું હતું તે ફરીથી ઠંડુ પડી ગયું છે.

બધા જ રાજકીય પક્ષોની સહમતીથી થશે ચૂંટણી

રાજ્ય ચૂંટણીપંચના એક અધિકારીએ એવી માહિતી આપી હતી કે સામાન્ય રીતે કોઈપણ ચૂંટણીઓ કરાવવા પહેલાં બધા જ રાજકીય પક્ષો સાથે બેઠકો કરવામાં આવતી હોય છે અને તેમની સાથે સલાહ-મસલત બાદ જ ચૂંટણીનો કાર્યક્રમ ઘડવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સત્તાધારી પક્ષના અને રાષ્ટ્રીય પક્ષના મતનું વજન વધુ હોય છે.

આ પણ વાંચો: ભાજપ નેતા ગિરીશ મહાજનનો દાવો, શિવસેના (યુબીટી)ના અનેક સાંસદો અને વિધાનસભ્યો મારા સંપર્કમાં છે

એક મહિનામાં વાતાવરણ બદલાયું

સુપ્રીમ કોર્ટે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી કરાવવા કહ્યું ત્યારે સત્તાધારી મહાયુતિ જ્વલંત વિજય પર સવાર થઈને અત્યંત મુસ્તાક હતી અને સૌથી પહેલાં એટલે કે ઓક્ટોબર-નવેમ્બરમાં સૌથી પહેલાં મુંબઈ મનપાની ચૂંટણી કરાવીને છાકો પાડી દેવા માગતી હતી, પરંતુ રાજ્યમાં ત્રિભાષા શિક્ષણ પદ્ધતિ અને પહેલા ધોરણથી હિન્દી શીખવવાના મુદ્દે રાજ્યમાં જે ભાષા વિવાદ છેડાયો તેને કારણે હવે તેમને મુંબઈ અને આસપાસની થાણે, નવી મુંબઈ, મીરા-ભાયંદર મનપામાં ચૂંટણીમાં ભારે નુકસાનની સંભાવનાને કારણે હવે આ બધી મનપામાં ચૂંટણી ઢીલમાં નાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

ઠાકરેભાઈઓ એક ન થાય એવા પ્રયાસો

ત્રિભાષા શિક્ષણ પદ્ધતિ સંબંધી બે જીઆર (સરકારી આદેશ) પાછા ખેંચવાની નાલેશી રાજ્ય સરકારને ઉઠાવવી પડી તેનું એક મોટું કારણ બંને ઠાકરે ભાઈઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલો વિરોધ હતો. જીઆર પાછા ખેંચવામાં આવ્યા બાદ પાંચમી જુલાઈએ વરલીના ડોમમાં બંને ભાઈઓ દ્વારા ઉજવણી કરવામાં આવી અને બે દાયકા બાદ બંને એક મંચ પર જોવા મળ્યા. બંને ઠાકરે સાથે આવે તો થનારા સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખીને બંને ભેગા ન થાય એવા પ્રયાસો ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જિલ્લા પરિષદની અને રાજ્યની અન્ય મનપાની ચૂંટણીઓ આવા જ પ્રયાસનો એક ભાગ ગણવામાં આવી રહ્યો છે, કેમ કે પુણે-નાશિક જેવી અનેક જગ્યાએ મનસે અને શિવસેના (યુબીટી) પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે યુતિ નહીં કરે તે પાક્કું છે, અહીંના કાર્યકર્તાઓમાં પણ એકબીજાને બાપે માર્યા વેર હોય એવું ઝનૂન જોવા મળે છે. આવું થાય તો સ્વાભાવિક છે કે મુંબઈ અને આસપાસની મનપામાં પણ પછી યુતિ ન થાય. આવી સ્થિતિ ભાજપને મનગમતી છે. આમેય ભાજપના અલગ અલગ નેતાઓ રાજ ઠાકરે સાથે વારંવાર મુલાકાતો કરીને ખોટા સંદેશા રાજ્યમાં ફેલાવવાના પ્રયાસ કરતા જ હોય છે.

આ પણ વાંચો: પરિવારિક પુન:મિલન સંયુક્ત રેલી રાજકીય નસીબને પુનજીર્વિત કરવાનો પ્રયાસ: ભાજપ

કૉંગ્રેસને પણ મનભાવતું મળ્યું

ભાષા વિવાદ અને હિન્દીભાષીઓને મનસે દ્વારા કરવામાં આવતી મારપીટ ભાજપની જેમ જ કૉંગ્રેસ અને કેટલેક અંશે એનસીપી (એસપી)ને માટે પણ નુકસાનકારક છે. આથી જ આવા વાતાવરણમાં મુંબઈ અને આસપાસની ચાર મનપાની ચૂંટણી હાલ પૂરતી ટળી જાય એના પક્ષમાં કૉંગ્રેસ પણ છે. કૉંગ્રેસના અધ્યક્ષ હર્ષવર્ધન સપકાળ એવું માને છે કે જિલ્લા પરિષદની ચૂંટણીઓમાં પાર્ટી સારો દેખાવ કરે એવી શક્યતા છે અને જો આવું થાય તો કાર્યકર્તાઓમાં જોશ આવે જેને પગલે મહાનગરોમાં પરિણામો સુધારવામાં મદદ મળી શકે છે. આથી જ જિલ્લા પરિષદની ચૂંટણીઓ પહેલી થાય એ તેમને મનભાવતી બાબત છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button