શિંદે સાવધ, તલવાર મ્યાન: ભાજપ પહેલી વાર યુતિમાં શિવસેનાનું સ્થાન લેશે

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ સામે બેઠકોની વહેંચણીને મુદ્દે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની પીછેહઠ
વિપુલ વૈદ્ય
મુંબઈ: બેઠકોની વહેંચણીને લઈને અત્યારે જે ચિત્ર તૈયાર થઈ રહ્યું છે તેને જોતાં એવું લાગી રહ્યું છે કે આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પહેલી વખત શિવસેના નાનો ભાઈ બનશે અને ભાજપ મોટો ભાઈ બનશે એટલે કે યુતિમાં અત્યાર સુધી શિવસેના જે સ્થાન ધરાવતું હતું તે સ્થાન હવે ભાજપ લેશે. અત્યાર સુધી બેઠકોની વહેંચણીમાં એકનાથ શિંદે જે તલવાર વીંઝી રહ્યા હતા તે તલવાર મ્યાન થઈ ગઈ છે.
નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના ટોચના નેતા એકનાથ શિંદેએ તાજેતરમાં એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભગવો જીતશે. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી છે કે બેઠકોની વહેંચણી ગુણવત્તા પર આધારિત હશે. તેથી, એ સ્પષ્ટ છે કે શિંદેએ ભાજપ સામે બેઠકોની વહેંચણીમાં હવે નમતું જોખ્યું છે. ભાજપ દ્વારા લાદવામાં આવેલા ‘ઉતરતો ક્રમ’ અને ઠાકરે બંધુઓના સંભવિત જોડાણને ધ્યાનમાં રાખીને, શિંદે મુંબઈમાં બે પગલાં પાછળ હટી ગયા છે એવું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: એકનાથ શિંદેના X એકાઉન્ટ પરથી પાકિસ્તાનના ઝંડા વાળી પોસ્ટ! હેકર્સે કેમ કરી આવી હરકત?
લોકસભાની ચૂંટણીમાં, એકનાથ શિંદેને બેઠકોની વહેંચણીમાં કેટલીક જગ્યાએ સમાધાન કરવું પડ્યું હતું. તેમણે રત્નાગિરી-સિંધુદુર્ગ બેઠક ભાજપના નેતા નારાયણ રાણેને સોંપવી પડી હતી. નાશિક અને થાણેની બેઠકો માટે સખત મહેનત કરવી પડી હતી. તેમને હિંગોલી, યવતમાળ-વાશીમમાં જાહેર કરેલા ઉમેદવારો પાછા ખેંચવા પડ્યા હતા. ઉમેદવારો બદલવા પડ્યા હતા. શિંદેએ તેમની પહેલી ચૂંટણીમાં જ ભાજપની દબાણયુક્ત રણનીતિનો અનુભવ કર્યો છે.
લોકસભાની ચૂંટણીમાં, શિંદેએ ગમે તે રીતે ભાજપ પાસેથી 15 બેઠકો મેળવી હતી. વિધાનસભાની બેઠકોની વહેંચણીમાં, ભાજપે ફરી એકવાર દબાણની રણનીતિનો ઉપયોગ કર્યો અને શિવસેનાને ફક્ત 87 બેઠકો જ આપી હતી. લોકસભાની ચૂંટણી પછી, શિવસેના પણ વિધાનસભા ચૂંટણીમાં નાનો ભાઈ બની ગયો હતો. ઠાકરે નેતા હતા ત્યારે હંમેશા 100થી વધુ બેઠકો પર લડતી શિવસેનાએ આ વખતે વિધાનસભામાં ફક્ત 87 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેમાંથી ઘણી બેઠકો પર, શિંદેએ ભાજપમાંથી આયાતી નેતાઓને મેદાનમાં ઉતારવા પડ્યા હતા. શિંદેની સેનાએ કુડાળ-માલવણ, ક્ધનડ, અંધેરી-પૂર્વ, બોઇસર, ભિવંડી, મુમ્બાદેવી, પાલઘર, સંગમનેર, કરમાળા બેઠકો પર ભાજપના નેતાઓને ઉમેદવારો બનાવ્યા હતા.
આ પણ વાંચો: મુંબઈ જીતવા એકનાથ શિંદે એકશન મોડમાં: ૨૧ સભ્યોની પેનલની જાહેરાત
લોકસભા અને વિધાનસભા ચૂંટણી પછી, ભાજપે બેઠક વહેંચણીમાં વધુ આક્રમક વલણ અપનાવ્યું છે. ભાજપે વિધાનસભા ચૂંટણીમાં બમ્પર સફળતા મેળવી છે. ભાજપ બહુમતી મેળવવાની ખૂબ નજીક હોવાથી, સાથી પક્ષો પર તેની નિર્ભરતા ઓછી થઈ ગઈ છે. તેથી, ભાજપ મ્યુનિસિપલ ચૂંટણીઓમાં પોતાની તાકાત બતાવવાની તૈયારી કરી રહ્યું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં મહાયુતિમાં લડવાનું વલણ અપનાવ્યું છે. ત્યારબાદ, શિંદેએ સાવધાનીભર્યું વલણ અપનાવ્યું અને બેઠકોની વહેંચણી અંગે સૂચક ટિપ્પણી કરી છે. શિંદે સેના ઘણી બેઠકો લડવા કરતાં થોડી બેઠકો લડીને વધુ બેઠકો જીતવાનો પ્રયાસ કરશે.
શિવસેનાનો જન્મ મુંબઈમાં થયો હતો. તેથી, શિવસેનાના મુંબઈમાં ઊંડા મૂળ છે. મુંબઈમાં શિવસેનાના વર્ચસ્વને ધ્યાનમાં લેતા, શિવસેનાએ અત્યાર સુધી યોજાયેલી તમામ મ્યુનિસિપલ ચૂંટણીઓમાં ભાજપ કરતાં વધુ બેઠકો લડી છે. તેથી, શિવસેના હંમેશા મુંબઈમાં મોટા ભાઈની ભૂમિકા ભજવી છે. પરંતુ આ વર્ષે, પહેલીવાર, મુંબઈ મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપ મોટા ભાઈની ભૂમિકા ભજવશે. ભાજપ આખરે શિવસેનાનું સ્થાન લેવામાં સફળ રહ્યું છે.
આ પણ વાંચો: એકનાથ શિંદે અને મુખ્યમંત્રી વચ્ચે બધું બરાબર નથી?
શિંદે જાણે છે કે મુંબઈમાં શિંદે સેનાની બહુ તાકાત નથી. વિધાનસભા ચૂંટણીમાં, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ મુંબઈમાં 10 બેઠકો જીતી હતી. જ્યારે શિંદે સેનાને ફક્ત છ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે ભાજપ 15 બેઠકો જીતીને નંબર વન પાર્ટી તરીકે ઉભરી આવ્યો છે. મુંબઈમાં ભાજપની વધેલી તાકાતને જોતાં, શિંદેએ તેમની મહાનતા સ્વીકારી છે અને ગૌણ ભૂમિકા સ્વીકારી છે. જ્યારે ઠાકરે બંધુઓનું જોડાણ અત્યાર સુધી નિશ્ર્ચિત માનવામાં આવે છે, ત્યારે શિંદે મહાયુતિમાં બેકફૂટ પર આવી ગયા છે. ઠાકરેના જોડાણની અસર મુંબઈમાં જોઈ શકાય છે. શિંદેની સેનાને સૌથી વધુ ફટકો પડવાની શક્યતા છે. જો બાળાસાહેબના વારસદારો એક સાથે આવે છે, તો શિંદેને નુકસાન થશે. તેથી, શિંદેએ મુંબઈમાં મહાનગરપાલિકા માટે બેઠકોની ફાળવણીમાં ખૂબ કડક ન રહેવાનું વલણ અપનાવ્યું છે. તેઓ સ્ટ્રાઈક રેટ પર વધુ ભાર મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે.