નિષ્ઠાવાન મહિલાઓની અવગણના ભાજપને ભારે પડશે?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેશ સહિત મહારાષ્ટ્રમાં શાસન કરી રહેલી ભાજપનું હવે એકમાત્ર લક્ષ્ય મુંબઈ મહાનગરપાલિકા પર કબજો જમાવવાનો છે. ભાજપે મુંબઈ મહાનગરપાલિકામાં સ્વબળે બહુમતી મેળવી પોતાનો મેયર બેસાડવામાં પુરું જોર લગાવી દીધું છે. જોકે મુંબઈ મહાનગરપાલિકાની ૨૦૧૭ની ચૂંટણીમાં ગુજરાતી મતવિસ્તારમાં ભાજપનો ભગવો ફરકાવવામાં મહત્ત્વનો ફાળો આપનારી અનેક ભૂતપૂર્વ મહિલા નગરસેવિકાઓની આ વખતની ચૂંટણીમાં ટિકિટ કાપી નાખવામાં આવી છે. વર્ષોથી પક્ષને વફાદાર રહેલી ટિકિટ ઈચ્છુક મહિલા કાર્યકર્તાઓનાં પત્તાં છેલ્લી ઘડીએ અન્ય પક્ષમાંથી આવેલી મહિલા ઉમેદવારોને તેમની અવગણના કરવાનું ભાજપને ‘મિશન બીએમસી’ સાકાર કરવામાં ભારે પડી શકે છે.
ગુજરાતી વિસ્તારોમાં ભૂતપૂર્વ નગરસેવિકા અને ટિકિટ ઈચ્છુક મહિલા કાર્યકર્તાઓમાં નીલા રાઠોડ, હેમલ ઠક્કર, ફાલ્ગુની દવે, બિંદુ ત્રિવેદી, નેહલ શાહ જેવી અનેક મહિલાઓને નારાજ કરવું ભાજપને ભારે પડી શકે છે. મુદત પૂરી થયાના લગભગ ચાર વર્ષ બાદ યોજાઈ રહેલી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં એકહથ્થુ શાસન કરવા માગતી ભાજપ માટે જોકે આ વખતે તેમની જ મહિલા કાર્યકર્તાઓ જ સત્તા મેળવવામાં અડચણરૂપ બની શકે છે એવો અંદરખાને હવે ભાજપના સિનિયર નેતાઓને ડર લાગી રહ્યો છે.
મુંબઈના પશ્ર્ચિમ ઉપનગરમાં મલાડથી દહિસર અને વિલે પાર્લે, સાંતાક્રુઝ સહિતના વિસ્તારો અને પૂર્વ ઉપનગરમાં ઘાટકોપરમાં ગુજરાતીઓનું પ્રભુત્વ છે. પાલિકાની ૨૦૧૭ની ચૂંટણીમાં આ વિસ્તારમાંથી અનેક ગુજરાતી મહિલાઓએ ચૂંટણી જીતીને ભાજપને શિવસેના બાદ બીજો મોટો પક્ષ બનવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. સતત પાંચ વર્ષ કામ કરીને અને ૨૦૨૨માં પાલિકાની ટર્મ પૂરી થઈ ગયા બાદ પણ પોતાના વિસ્તારોમાં નાગરિકો સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો. છતાં અનેક ભૂતપૂર્વ નગરસેવિકાઓનાં પત્તાં કાપી નાખવામાં આવ્યા છે.
ભૂતપૂર્વ નગરસેવિકા તથા પક્ષની નિષ્ઠાવાન મહિલા કાર્યકર્તાઓની ટિકિટ કપાઈ જવા પાછળ છેલ્લી ઘડીએ અન્ય પક્ષમાંથી બળવો કરીને ભાજપમાં જોડાઈને ટિકિટ લઈ ગયેલા આયાતી ઉમેદવાર જવાબદાર માનવામાં આવે છે. તો અમુક કેસમાં બેઠકો અનામત થઈ જવાને કારણે તો અમુક જગ્યાએ ભાજપે પોતાના સાથી પક્ષ સાથે કરેલી યુતિને કારણે શિંદે સેનાને પોતાના હિસ્સાની બેઠકો આપી દીધી હોવાથી ભાજપની અનેક મહિલાઓની ટિકિટ કપાઈ ગઈ છે.
ભૂતપૂર્વ નગરસેવિકા અને ઈચ્છુકોમાં ઘાટકોપરની વોર્ડ નંબર ૧૩૦ની ભૂતપૂર્વ નગરસેવિકા બિંદુ ત્રિવેદી છે, તેેમનો વોર્ડ ૨૦૨૫માં અનામત થઈ જતા તેમને બદલે પક્ષે ધર્મેશ ગિરિને ટિકિટ આપી હતી. બિંદુએ વોર્ડ નંબર ૧૩૨માંથી ટિકિટ માગી હતી પણ પક્ષે તેમની અવગણના કરી હતી. ૨૦૧૭માં ૧૩૨ નંબરની બેઠક પરથી છેલ્લી ટર્મમાંથી જીતેલા ઉમેદવાર વિધાનસભ્ય બની જતા તેમની જગ્યાએ રીતુ તાવડેને ટિકિટ આપવામાં આવતા અહીં ગુજરાતી ઈચ્છુક મહિલા ઉમેદવારી ડિમ્પલ પંડયા, ફાલ્ગુની દવે, પ્રીતિ ઉપાધ્યાયને ટિકિટ જોઈતી હતી, તેઓમાં નારાજગી વ્યાપી ગઈ છે. વોર્ડ નંબર ૧૭૭ વડાલામાં પણ ભૂતપૂર્વ નગરસેવિકા નેહલ શાહની ટિકિટ કપાઈ જતા તેમણે પક્ષ વિરુદ્ધ જઈને અપક્ષ રીતે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
ગુજરાતી મતવિસ્તાર બોરીવલીના વોર્ડ નંબર ૧૭ના ભૂતપૂર્વ નગરસેવિકા બીના દોશીની ટિકિટ કાપીને તેમને બદલે શિલ્પા સાંગોરેને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ ૩૬ કાંદિવલીમાંથી દક્ષા પટેલની ટિકિટ કાપીને સિદ્ધેશ શર્માને અને વોર્ડ નંબર ૩૫માં સેજલ પટેલની ટિકિટ કાપીને યોગેશ વર્માને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર ૨૧૭માંથી મિનલ પટેલ અને વોર્ડ નંબર ૨૧૯માંથી જ્યોત્સના મહેતાની ટિકિટ કાપી નાખીને અન્ય ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.



