મહાયુતિમાં ભાજપ ‘મોટો ભાઈ’, પક્ષના નેતાઓએ ગઠબંધનમાં વિવાદ ઉભો કરતી ટિપ્પણીઓ ટાળવી જોઈએ: બાવનકુલે

મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપના નેતા ચંદ્રશેખર બાવનકુલેએ ગુરુવારે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પક્ષના સભ્યોને શાસક મહાયુતિ ગઠબંધનમાં સાથી પક્ષો વચ્ચે ભંગાણ પેદા કરી શકે એવી ટિપ્પણીઓ કરવા સામે ચેતવણી આપી છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપે પક્ષના નેતૃત્વ હેઠળના ગઠબંધન જેમાં નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને અજિત પવારની અનુક્રમે શિવસેના અને એનસીપી પણ છે “મોટા ભાઈ” ની ભૂમિકા ભજવવી પડશે.
અહીં પત્રકારો સાથે વાત કરતા, બાવનકુળેએ નોંધ્યું કે ફડણવીસે ભાજપની છ વિભાગીય બેઠકો યોજી હતી જ્યાં તેમણે મહારાષ્ટ્રમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે ચર્ચા કરતી વખતે પક્ષના નેતાઓ અને કાર્યકરોને સાથી પક્ષો વિરુદ્ધ ન બોલવાનો સંદેશ આપ્યો હતો.
મુંબઈ, થાણે અને નાગપુર સહિત ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને મહારાષ્ટ્રમાં અન્ય શહેરી અને ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની છે. ગયા મહિને, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચને ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ સુધીમાં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કરાવવા કહ્યું હતું.
પીટીઆઈ