વિધાનસભા બેઠકો અંગે ભાજપના વરિષ્ઠ નેતાઓમાં ચર્ચા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપના વરિષ્ઠ નેતાઓએ વિધાનસભામાં કેટલી અને કઈ બેઠકો પર ચૂંટણી લડવી તે અંગેની પ્રાથમિક ચર્ચાઓ શરૂ કરી દીધી છે. આ બેઠકો નક્કી કર્યા પછી અને સર્વેના આધારે ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર જૂથ) સાથે બેઠકોની વહેંચણીની ચર્ચા શરૂ કરવામાં આવશે એવું આધારભૂત સાધનો પાસેથી જાણવા મળ્યું છે.
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, કેન્દ્રીય મહામંત્રી વિનોદ તાવડે, પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ, રાવસાહેબ દાનવે, મુંબઈ ભાજપ અધ્યક્ષ આશિષ શેલાર અને અન્ય વરિષ્ઠ નેતાઓ આ બેઠકમાં હાજર હતા.
ભાજપે વિધાનસભાની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને સર્વેનો પ્રાથમિક અહેવાલ બહાર આવી ગયો છે. મતવિસ્તાર મુજબના વરિષ્ઠ નેતાઓએ ગઈ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા લડવામાં આવેલી બેઠકો, ચૂંટાયેલા વિધાનસભ્યો, તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તે વિધાનસભા ક્ષેત્રમાં મળેલા મતો, સંભવિત બે-ચાર અસરકારક ઉમેદવારો વગેરે મુદ્દે ચર્ચા કરી હતી. આ ચર્ચા પૂરી થયા બાદ ભાજપે કેટલી અને કઈ બેઠકો પર ચૂંટણી લડવી તે અંગેનો અહેવાલ પક્ષના નેતાઓને મોકલવામાં આવશે અને ત્યાર બાદ સાથી પક્ષો સાથે બેઠકોની વહેંચણીની ચર્ચા શરૂ કરવામાં આવશે, એમ સાધનો પાસેથી જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : ભાજપના યુવા નેતાની ગોળી મારી હત્યા, સાથી મિત્રો પર પણ કર્યું ફાયરિંગ પરંતુ…
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપે મતવિસ્તારવાર સર્વે હાથ ધર્યો છે. તેની સાથે અન્ય મુદ્દાઓ પર ભાજપ વિધાનસભાની કઈ બેઠકો પર ચૂંટણી લડશે અને સાથી પક્ષોને કઈ બેઠકો આપવી તે અંગે નિર્ણય લેવામાં આવશે. વરિષ્ઠ નેતાઓએ લોકસભાની ચૂંટણીમાં થયેલી ભૂલો અને હવે તેને કેવી રીતે ટાળી શકાય તેની ચર્ચા કરી હતી.
નવી દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં પાર્ટીના નેતાઓએ તાજેતરમાં એક નેતાની તરફેણમાં નિર્ણય લીધા વિના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરવાનો નિર્દેશ આપ્યો હતો. તદનુસાર ભાજપની બેઠકો અંગેની ચર્ચામાં તાવડે, ગોયલ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાવસાહેબ દાનવે અને પંકજા મુંડેએ બેઠકમાં ભાગ લીધો હતો.
વિધાન પરિષદની ચૂંટણીના ઉમેદવારોને લઈને પણ ચર્ચા
આ બેઠકમાં વિધાન પરિષદની ચૂંટણીના ઉમેદવારો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ પાંચ બેઠકો અને શિવસેના અને એનસીપી બે-બે બેઠકો પર ચૂંટણી લડશે તે નક્કી છે. ઉમેદવારી માટે કેટલાક નામો નક્કી કર્યા બાદ કેન્દ્રીય સંસદીય બોર્ડની મંજૂરી બાદ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.