એનસીપીના વિધાનસભ્ય આવ્હાડ વિરુદ્ધ ભાજપનું આંદોલન
બાબાસાહેબ આંબેડકરના ચિત્રો ફાડવાનો વિવાદ
મુંબઈ: એનસીપી(શરદચંદ્ર પવાર)ના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ દ્વારા બુધવારે મનુસ્મૃતિનું દહન કરવા માટે મોરચો કાઢવામાં આવ્યો ત્યારે ડૉ.બાબાસાહેબ આંબેડકરનો ફોટો ધરાવતા પોસ્ટર ફાડ્યા હતા. જેને પગલે ગુરુવારે ભાજપ દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું હોવાનો આરોપ મૂકીને આવ્હાડ વિરુદ્ધ આંદોલન કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન રહી ચૂકેલા આવ્હાડ પોતાએ કરેલા કૃત્ય બદલ બુધવારે માફી માગી હતી. સરકાર કથિતપણે શાળાઓમાં મનુસ્મૃતિના અમુક શ્ર્લોક શીખવવાની યોજના બનાવી રહી હોવાનો આરોપ મૂકીને આવ્હાડ દ્વારા રાયગઢ ખાતે મોરચો કાઢવામાં આવ્યો હતો. આવ્હાડ લોકોને સરકારની આ યોજનાનો વિરોધ કરવાનું આહ્વાન કર્યું હતું. જોકે વિરોધ દરમિયાન આંબેડકરનો ફોટો ધરાવતા પોસ્ટર ફાડવામાં આવ્યા હતા. આવ્હાડ પોતે જ આંબેડકરનો ફોટો ધરાવતા પોસ્ટર ફાડી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થતા મોટો વિવાદ ઊભો થયો હતો.
જેને પગલે ભાજપ દ્વારા મુંબઈ, નાગપુર અને થાણે સહિત રાજ્યભરમાં વિવિધ સ્થળે આવ્હાડ વિરુદ્ધ આંદોલન કરવામાં આવ્યું હતું.
આ વિવાદને પગલે ભાજપના પદાધિકારી દ્વારા પુણેના બંડગાર્ડનમાં આહ્વાડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.
જોકે આવ્હાડ બાબાસાહેબના પોસ્ટર ફાડ્યા બાદ શરદ પવાર જૂથની એનસીપીના નેતાઓ આવ્હાડના બચાવમાં કૂદી પડ્યા હતા. શરદ પવાર જૂથના મહારાષ્ટ્ર અધ્યક્ષ જયંત પાટીલે એક્સ(પહેલા ટ્વિટર) પર આવ્હાડનો બચાવ કરતા જણાવ્યું હતું કે આવ્હાડ ડૉ.આંબેડકરના ઉપદેશોના સંરક્ષણ માટે સતત કાર્યરત રહ્યા છે અને ડૉ.આંબેડકર પ્રત્યે તેમની નિષ્ઠા અંગે કોઇ શંકા નથી. આંદોલન દરમિયાન ભૂલથી જે થયું એ બદલ તે પહેલા જ માફી માગી ચૂક્યા છે. મને વિશ્ર્વાસ છે કે આંબેડકરના અનુયાયીઓ વિરોધીઓ દ્વારા ચલાવવામાં આવેલા ખોટા પ્રચાર પર ભરોસો નહીં કરે.