
થાણે: નવી મુંબઈમાં રોડ રેજની ઘટનામાં માથા પર હેલ્મેટ ફટકારી બાઈકસવારને મોતને ઘાટ ઉતારવાના કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.
વાશીમાં રહેતો શિવકુમાર રોશનલાલ શર્મા (45) બીજી ફેબ્રુઆરીએ બાઈક પર બેલાપુર-ઉત્સવ ચોક ખાતેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે એક સ્કૂટરને ઓવરટેક કર્યું હતું. આ વાતને લઈ સ્કૂટર સવાર બે યુવાન રોષે ભરાયા હતા. થોડે અંતરે આરોપીઓએ શર્માની બાઈકને આંતરી હતી.
બોલાચાલી પછી વાત મારામારી સુધી પહોંચતાં એક આરોપીએ શર્માને પકડી રાખ્યો હતો, જ્યારે બીજાએ શર્માના માથા પર હેલ્મેટ ફટકારી હતી. લોહીલુહાણ હાલતમાં શર્મા જમીન પર ફસડાઈ પડ્યો હતો. રાહદારીઓ શર્માને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો : નવી મુંબઈમાં એનસીબીનો સપાટો, 200 કરોડ રુપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું
આ પ્રકરણે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. આરોપીની શોધ માટે અધિકારીઓની આઠ ટીમ બનાવવામાં આવી હતી. વિવિધ વિસ્તારના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી પોલીસે બે શકમંદને ઓળખી કાઢ્યા હતા. મળેલી માહિતીને આધારે પોલીસે મુંબઈના બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતેથી એક આરોપી મોહમ્મદ રેહાન અન્સારી (22)ને મંગળવારે પકડી પાડ્યો હતો. ધરપકડ કરાયેલા આરોપીને કોર્ટે 15 ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. આરોપીના સાથીની પોલીસ શોધ ચલાવી રહી છે. આ પ્રકરણે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)