ડિજિટલ અરેસ્ટમાં સૌથી મોટી છેતરપિંડી! મુંબઈના ઉદ્યોગપતિએ ₹58 કરોડ ગુમાવ્યા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ડિજિટલ અરેસ્ટમાં સૌથી મોટી છેતરપિંડી! મુંબઈના ઉદ્યોગપતિએ ₹58 કરોડ ગુમાવ્યા

મુંબઈ: નાગરીકો ડિજિટલ અરેસ્ટ સાયબર ફ્રોડની જાળમાં ન ફસાય એ માટે સરકાર વિવિધ રીતે જાગૃતિ અભિયાન ચલાવી રહી છે, છતાં ઘણાં ભણેલા ગણેલા લોકો પણ આ ફ્રોડની શિકાર બની બેસે છે. તાજેતરમાં મુંબઈમાં ડિજિટલ અરેસ્ટનો મોટો મામલો નોંધાયો હતો. એક ઉદ્યોગપતિ સાથે 58 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.

અહેવાલ મુજબ સીબીઆઈ અને ઇડીના અધિકારીઓ તરીકે ઓળખ આપી સાઈબર ગઠીયાઓએ 72 વર્ષીય ઉદ્યોગપતિને ડિજિટલ અરેસ્ટનો શિકાર બનાવ્યા હતા અને 58 કરોડ રૂપિયા પડાવી લીધા હતાં. અધિકારીઓના જણાવ્યા મુજબ આ છેતરપિંડી અત્યાર સુધી નોંધાયેલી સૌથી મોટી ડિજિટલ અરેસ્ટ છેતરપિંડી હોઈ શકે છે.

આ રીતે કરી છેતરપિંડી:
અધિકારીના જણાવ્યા મુજબ ED અને CBI કર્મચારીઓ તરીકે ઓળખ આપીને છેતરપિંડી કરનારાઓએ 19 ઓગસ્ટથી 8 ઓક્ટોબર દરમિયાન ઉદ્યોગપતિને વિડીયો કોલ કર્યા હતાં. છેતરપિંડી કરનારાઓએ દાવો કર્યો કે તેનું નામ મની લોન્ડરિંગ કેસમાં સામે આવ્યું છે. અને બેંક ખાતાઓમાં પૈસા જમા કરાવવા કહ્યું. ઉદ્યોગપતિએ લગભગ બે મહિનામાં RTGS દ્વારા 18 બેંક ખાતાઓમાં 58 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા.

જ્યારે ઉદ્યોગપતિને ખ્યાલ આવ્યો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે, ત્યારે તેમણે સાયબર પોલીસમાં ફરિયાદ કરી. સાયબર પોલીસે તાત્કાલિક બેંકનો સંપર્ક કર્યો અને છેતરપિંડી સાથે જોડાયેલા ખાતાઓમાં ટ્રાન્સફર કરાયેલા ફંડને ફ્રીઝ કરવામાં આવ્યું. પોલીસે છેતરપિંડીમાં સંડોવાયેલા ત્રણ લોકોની ધરપકડ કરી છે.

આ રીતે થાય છે છેતરપિંડી:
છેલ્લા કેટલાક મહિનાઓથી દેશના વિવિધ રાજ્યોમાં ડિજિટલ અરેસ્ટના ઘણાં કેસ નોંધાયા હતાં. છેતરપિંડી કરનારાઓ પોતે લો ઇન્ફોર્સમેન્ટ ઓફિસર અથવા અન્ય સરકારી એજન્સીઓના કર્મચારીઓ હોવાનો દાવો કરીને લોકોને ધમકીઓ આપે છે. છેતરપિંડી કરનાર ઓડિયો/વિડિયો કોલ કરી ડિજિટલ અરેસ્ટ કરવામાં આવી હોવાની જાણ કરે છે અને તેમને પૈસા ચૂકવવાની ધમકી આપે છે.

આપણ વાંચો:  હવે આર્થિક રાજધાની મુંબઈ બનશે વૉટરફ્રન્ટ કેપિટલઃ જાણો મ્હાડાનો માસ્ટરપ્લાન

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button