આમચી મુંબઈ

કુર્લા-ઘાટકોપરને જોડનારા પુલ નિર્માણના કામ માટે મોટા ન્યૂઝ, આ કામમાં મળ્યો વેગ

મુંબઈ: કુર્લા અને ઘાટકોપરને જોડતા એલબીએસ રોડ પર સૌથી વધુ ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની છે. આ માર્ગ પર ભારે ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવા માટે કુર્લાના કલ્પના ટોકિઝથી ઘાટકોપરની સર્વોદય હૉસ્પિટલ સુધી એક 3.5 કિલોમીટર લાંબો ફલાયઓવર બ્રિજ નિર્માણ કરવાનો પ્રસ્તાવ મુંબઈ મહાપાલિકાએ લીધો છે.

આ નવા ફલાયઓવર બ્રિજના બાંધકામ માટે ટેન્ડર જાહેર કરી કામ શરૂ કરવામાં આવશે એવી માહિતી અધિકારીએ આપી હતી. કુર્લા ઘાટકોપર ફલાયઓવર બ્રિજનો પ્રોજકેટ ભારતીય નેવીના પરિસરમાંથી પસાર થવાનો હોય આ માટે એનઓસી ન મળતા ત્રણ વર્ષથી અટકી પડ્યો હતો. જેને લઈને પાલિકાના અધિકારીઓ અને નેવીના અધિકારીઓ વચ્ચે બેઠક બાદ આ માર્ગમાં બ્રિજ બનાવવાની પરવાનગી આપવામાં આવી હતી.

આ સાથે બ્રિજને 700 મીટર સુધી લંબાવવામાં પણ આવશે અને આગળ જઈને ઘાટકોપર-અંધેરી લિન્ક રોડ સાથે જોડવામાં આવશે. આ બ્રિજના નિર્માણ બાદ કુર્લા અને ઘાટકોપરના આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઓછી થશે, એવી પાલિકાના અધિકારીએ આશા વ્યક્ત કરી હતી.

એલબીએસ રોડ સાયનથી શરૂ થઈને કુર્લા, ઘાટકોપર થઈને મુંબઈના મુલુંડને મળે છે. આ સાથે સાકીનાકાથી થઈને અંધેરી સુધી જાય છે. આ બ્રિજ અનેક વિસ્તારોમાંથી પસાર થવાની સાથે અનેક વિસ્તારોને જોડે છે જેને લીધે ટ્રાફિક જામ થાય છે. આ કારણસર પાલિકાએ 3.5 કિલોમીટર લાંબા ફલાયઓવર બ્રિજનું નિર્માણ કરવાનું નક્કી કર્યું છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.

કુર્લા, ઘાટકોપર, અંધેરી અને મુલુંડ આ વિસ્તારોના રસ્તા પર ગેરકાયદે વાહનો પાર્ક કરવાને લીધે ટ્રાફિક જામ થાય છે, જેથી આ વિસ્તારોમાં સર્વે કરીને કુર્લા-ઘાટકોપર ફલાયઓવર બ્રિજનું નિર્માણ શરૂ થશે એવી, માહિતી જાહેર કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button